08 December, 2024 09:52 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
દીકરા માટે ટ્રૅવિસ હેડે કર્યું સેન્ચુરી સેલિબ્રેશન
ભારત સામેની બીજી ટેસ્ટમાં ૩૦ વર્ષના ટ્રૅવિસ હેડે ૧૪૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. પોતાના હોમગ્રાઉન્ડ ઍડીલેડમાં તેણે ૧૧૧ બૉલમાં ડે-નાઇટ ટેસ્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવી છે. આ પહેલાં તેણે ૨૦૨૨માં હોબાર્ટમાં ઇંગ્લૅન્ડ સામે ૧૧૨ બૉલ અને વેસ્ટ ઇન્ડીઝ સામે ઍડીલેડમાં ૧૨૫ બૉલમાં ડે-નાઇટ ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી નોંધાવી હતી. પિન્ક બૉલથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાના ટૉપ-થ્રી રેકૉર્ડ તેના જ નામે છે.
ટ્રૅવિસ હેડની ટેસ્ટ-કરીઅરની આ આઠમી અને ભારત સામેની બીજી ટેસ્ટ-સેન્ચુરી હતી. તેણે આ સેન્ચુરી ગયા મહિને જન્મેલા પોતાના દીકરા હૅરિસન જ્યૉર્જ હેડને સમર્પિત કરી છે. સ્ટેડિયમમાં તેની પત્ની જેસિકા ડેવિસ હેડ અને તેનો દીકરો ઉપસ્થિત હતાં એટલે તેણે પુત્રને ઝુલાવતો હોય એવી ઍક્શન કરીને ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.
આ ઇનિંગ્સમાં હેડને બે જીવનદાન પણ મળ્યાં હતાં. ૭૬ રનના સ્કોર પર રવિચન્દ્રન અશ્વિનની ઓવરમાં તેણે ઊંચો શૉટ માર્યો હતો. મિડ-ઑન પર હાજર મોહમ્મદ સિરાજે પાછળની તરફ દોડીને કૅચ પકડવાની કોશિશ કરી હતી પણ તે કૅચ પકડી શક્યો નહોતો. એની પછીની જ ઓવરમાં તેણે હર્ષિત રાણા સામે કટ શૉટ રમ્યો જે બૅટને અડીને વિકેટકીપર અને બીજી સ્લિપના ફીલ્ડરની વચ્ચેથી નીકળી ગયો. મોહમ્મદ સિરાજના યૉર્કર સામે ફેલ થતાં તેની ઇનિંગ્સ સમાપ્ત થઈ હતી, પણ તે આઉટ થયો ત્યારે સિરાજે તેને આક્રમકતાથી સેન્ડ-ઑફ આપ્યો એને પગલે વાતાવરણ ડહોળાયું હતું અને પ્રેક્ષકોએ પણ સિરાજનો હુરિયો બોલાવ્યો હતો.
ટ્રૅવિસ હેડઃ
રન- ૧૪૦, બૉલ- ૧૪૧, ચોગ્ગા- ૧૭, છગ્ગા- ૦૫, સ્ટ્રાઇક રેટ- ૯૯.૨૯