બાયો-બબલને લીધે ખેલાડીઓમાં બૉન્ડિંગ વધ્યું : રોહિત શર્મા

10 April, 2021 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનો કૅપ્ટન કહે છે કે લોકો કામધંઘા વગરના થઈ ગયા છે ત્યારે નસીબદાર છીએ કે ક્રિકેટ રમવા મળી રહ્યું છે

GMD Logo

આ વખતે પણ આઇપીએલમાં કોરોના-કેરને કારણે બાયો-સિક્યૉર બબલમાં રમાડાઈ રહી છે. અનેક ખેલાડીઓ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ ખુદ સ્વીકાર કર્યો છે કે આ બાયો-બબલ લાઇફ ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ પાંચ-પાંચ વાર મુંબઈને આઇપીએલ ટ્રોફી અપાવનાર કૅપ્ટન રોહિત શર્મા માને છે કે આ બાયો-બબલનો ટીમને ફાયદો થઈ રહ્યો છે અને ટીમના ખેલાડીઓનું એકબીજા સાથે બૉન્ડિંગ વધ્યું છે.
મુંબઈ ઇન્ડિયન્સના ટ્વિટર-અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયો-મેસેજમાં કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું ‍કે ‘સારી વાત છે કે આજે અમે ટીમના દરેક ખેલાડીને પર્સનલી ઓળખી શકીએ છીએ. પહેલાં અમુક ખેલાડીઓ તેમની રૂમમાં જ ભરાઈ રહેતા હતા અને અમને તેની સાથે વાતચીત કરવાનો અને ઓળખવાનો મોકો જ જ નહોતો મળતો. અમારી પાસે એક ટીમ-રૂમ છે જ્યાં અમે બધા ભેગા થઈને એકમેક સાથે હળીએ-મળીએ છીએ, જે પહેલાં નહોતું થતું. આમ એકબીજા સાથે સમય પસાર કરતાં અને નજીકથી ઓળખતાં બૉન્ડિંગ વધે છે.’
છેલ્લા છએક મહિનાની સ્ટ્રગલ વિશે રોહિત વિડિયોમાં જણાવ્યું છે કે ‘ગયા વર્ષે આઇપીએલ દરમ્યાન હું ઈજાગ્રસ્ત હતો અને હૅમસ્ટ્રિંગને લીધે ઑસ્ટ્રેલિયા ટૂરની મહત્ત્વની કેટલીક મૅચ મારે ગુમાવવી પડી હતી. એમ છતાં એ ટૂર ઘણી સારી રહી હતી, કેમ કે ટીમમાં આવેલા નવા યુવા ખેલાડીઓએ ટીમને વિજેતા બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. ઑસ્ટ્રેલિયા બાદ ઇંગ્લૅન્ડ ટૂર પણ ઘણી સારી રહી હતી. દરેક પ્લેયરે પોતાની જવાબદારી સારી રીતે સમજી-નિભાવી હતી.’
રોહિત છેલ્લે કહે છે કે ‘આજકાલ આ કોરોનાકાળમાં ઘણા બધા લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો કામધંધો પણ કરી શકતા નથી. તેમને જે કરવું છે એ નથી કરી શકતા. જોકે અમે ખૂબ નસીદાર છીએ કે અમને જે સૌથી વધુ પસંદ છે એ રમત રમી રહ્યા છીએ.’

cricket news sports news sports rohit sharma