23 February, 2026 10:40 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવવામાં બિહારના ક્રિકેટરે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો
આ મહિનાની શરૂઆતમાં ભારતીય ટીમ અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટીમને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. ભારતીય ટીમને ચૅમ્પિયન બનાવવામાં ઓપનર વૈભવ સૂર્યવંશીનો મોટો ફાળો હતો. વૈભવ ફાઇનલમાં ૮૦ બૉલમાં ૧૭૫ રનની રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ રમ્યો હતો અને ટુર્નામેન્ટમાં ૭ મૅચમાં સેકન્ડ હાઇએસ્ટ ૪૩૯ રન બનાવ્યા હતા. તેના આ વર્લ્ડ ક્લાસ પર્ફોર્મન્સ બદલ બિહાર સરકારે ગઈ કાલે ૫૦ લાખ રૂપિયાનો ચેક આપીને તેનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે વૈભવને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા આપતાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે કહ્યું હતું કે ‘અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવવામાં બિહારના ક્રિકેટરે મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તે તેની મહેનત અને ટૅલન્ટના જોરે ભારતીય ક્રિકેટની નવી ઉમ્મીદ બન્યો છે. તે બિહારના યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. આવી જ રીતે તે શાનદાર ક્રિકેટ રમતો રહે અને રાજ્ય અને દેશનું નામ રોશન કરતો રહે. મારી શુભકામના છે કે વૈભવ ભવિષ્યમાં ભારતીય ટીમ માટે નવા-નવા રેકૉર્ડ રચે.’