કોહલી જુદા-જુદા પ્રકારના બોલર સામે આઉટ થાય છે એ મોટી ચિંતા : બિશપ

06 May, 2022 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોહલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઓપનિંગમાં રમીને ૩૩ બૉલમાં બનેલા ૩૦ રનના પોતાના સ્કોર પર રાઇટ-આર્મ ઑફ સ્પિનર મોઇન અલીના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો

કોહલી જુદા-જુદા પ્રકારના બોલર સામે આઉટ થાય છે એ મોટી ચિંતા : બિશપ

એક સમયે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અને આઇપીએલની અગાઉની કેટલીક સીઝનમાં તમામ બૅટર્સમાં મોખરાનું સ્થાન ધરાવવા બદલ ‘કિંગ કોહલી’ તરીકે જાણીતો વિરાટ આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધીની ૧૧ મૅચમાં ફક્ત ૨૧.૬૦ની સરેરાશે માત્ર ૨૧૬ રન બનાવી શક્યો છે અને અસલ ફૉર્મમાં નથી જોવા મળ્યો. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી કોહલીના નબળા ફૉર્મ ઉપરાંત તે અલગ પ્રકારના બોલર સામે આઉટ થઈ રહ્યો હોવા વિશે ગઈ કાલે ચિંતા વ્યક્ત કરી હતી.
બુધવારે કોહલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઓપનિંગમાં રમીને ૩૩ બૉલમાં બનેલા ૩૦ રનના પોતાના સ્કોર પર રાઇટ-આર્મ ઑફ સ્પિનર મોઇન અલીના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. મોઇને ઑફ સ્ટમ્પની બહાર ફેંકેલો બૉલ અંદર આવ્યો હતો અને કોહલીના બૅટની કટ લાગ્યા બાદ સ્ટમ્પ્સમાં ગયો હતો. બિશપે કહ્યું હતું કે ‘કોહલી સ્પિન બોલિંગ સામે જેમાં ખાસ કરીને ઑફ સ્પિન સામે સંઘર્ષ કરી રહ્યો છે એ મોટી ચિંતાનો વિષય છે. બુધવારે તે ૧૦થી ૧૫ રન સુધી બૉલદીઠ રન નહોતો બનાવી શક્યો. ક્યારેક માત્ર બૉલદીઠ રન જ બનાવી શક્યો હતો. આ તબક્કામાંથી બહાર આવીને તેણે સીમ બોલરના બૉલમાં એક સિક્સર ફટકારી અને ઑફ સ્પિનર મોઇનના બૉલમાં આઉટ થઈને પાછો આવી ગયો હતો.’
બિશપે કોહલી વિશેની ચિંતા પર વધુમાં કહ્યું કે ‘માત્ર આ સીઝનમાં જ નહીં, મને બરાબર યાદ છે કે ગઈ સીઝનમાં પણ તેનામાં આ કચાશ જોવા મળી હતી. કેટલીક ઇન્ટરનૅશનલ મૅચમાં પણ તે બહાર આવીને ફટકો મારતો નહોતો જોવા મળ્યો. ક્યારેક આગળ આવીને ફટકો લગાવતો, પણ પછી તરત ધીમો પડી જતો હતો. મને આ બાબતમાં મોટી ચિંતા છે, કારણ કે હું કોહલીનો ફૅન છું. જો કોઈ બૅટર બૉલદીઠ રન બનાવતો હોય તો પછી તેણે લાંબી ઇનિંગ્સ રમવી પડે, પરંતુ કોહલીની બાબતમાં એ પણ નથી જોવા મળ્યું. આરસીબી જીત્યું, પણ કોહલીની ઇનિંગ્સ મહત્ત્વની ન કહી શકાય. કોહલી ફેબ્રુઆરીમાં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦ સિરીઝમાં ઑફ સ્પિનર રૉસ્ટન ચેઝના બૉલમાં આઉટ થયો હતો. ૨૦૧૯ની એક ટેસ્ટમાં પણ તેણે ચેઝના બૉલમાં વિકેટ ગુમાવી હતી.’

વિરાટ કોહલીને મોટા ભાગે કોણે-કોણે આઉટ કર્યો?

ટેસ્ટમાં : જેમ્સ ઍન્ડરસન (સૌથી વધુ આઠ વાર), નૅથન લાયન (સાત વખત), મોઇન અલી (છ વખત), સ્ટુઅર્ટ બ્રૉડ (પાંચ વખત), બેન સ્ટોક્સ (પાંચ વખત), પૅટ કમિન્સ (પાંચ વખત), આદિલ રાશિદ (ચાર વખત), પીટર સીડલ (ચાર વખત), મૉર્ની મૉર્કલ (ચાર વખત), લુન્ગી ઍન્ગિડી (ચાર વખત). સ્પિનરોમાં ગ્રેમ સ્વૉન, થારિન્દુ કૌશલ, દેવેન્દ્ર બિશુ, રૉસ્ટન ચેઝ, રંગાના હેરાથ, જિતેન પટેલ. લક્શન સૅન્ડકન, અયાઝ પટેલ, રાચિન રવીન્દ્ર, શાકિબ-અલ-હસન, સેનુરન મુથુસામી, ડૉમ બેસ વગેરે. કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાં કુલ ૮૦ બોલરની બોલિંગમાં વિકેટ ગુમાવી છે.
વન-ડેમાં : ટિમ સાઉધી (સૌથી વધુ છ વખત), રવિ રામપૉલ (છ વખત), થિસારા પરેરા (પાંચ વખત), ઍડમ ઝેમ્પા (પાંચ વખત), મોઇન અલી (ત્રણ વખત), વગેરે. કોહલી વન-ડે ક્રિકેટમાં કુલ ૧૦૫ બોલર સામે આઉટ થયો છે.
ટી૨૦માં : ઈશ સોઢી (સૌથી વધુ ત્રણ વખત), ક્રિસ જૉર્ડન (બે વખત), આદિલ રાશિદ (બે વખત), ઍડમ ઝેમ્પા (બે વખત), એસ. કૉટ્રેલ (બે વખત), એચ. બેનેટ (બે વખત), મિચલ સૅન્ટનર (બે વખત), કેસરિક વિલિયમ્સ (બે વખત), મોઇન અલી (એક વખત), વગેરે. કોહલીએ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં કુલ ૫૦ બોલરની બોલિંગમાં વિકેટ ગુમાવી છે.
વર્તમાન આઇપીએલમાં : ડેવાલ્ડ બ્રેવિસ (મુંબઈ), ઉમેશ યાદવ (કલકત્તા), મુકેશ ચૌધરી (ચેન્નઈ), દુશ્મંથા ચમીરા (લખનઉ), માર્કો યેન્સેન (હૈદરાબાદ), પ્રસિદ્ધ ક્રિષ્ના (રાજસ્થાન), મોહમ્મદ શમી (ગુજરાત) અને મોઇન અલી (ચેન્નઈ).

કોહલી તેના બેસ્ટ ફૉર્મમાં હોય ત્યારે ટીવી પર તેની બૅટિંગ જોવાનું હું ક્યારેય નથી ચૂકતો. એટલે હું તેની ટીકા નથી કરી રહ્યો. મારું તેના વિશેનું જે નિરીક્ષણ છે એના પરથી કહું છું કે બૉલદીઠ તેના રનનો રેટ સારો નથી હોતો અને અને અનેક જુદા-જુદા પ્રકારના બોલર્સ તેને આઉટ કરી રહ્યા છે જે મારી મોટી ચિંતા છે. - ઇયાન બિશપ

sports news cricket news virat kohli