સૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ-અટેક, હૉસ્પિટલમાં દાખલ

02 January, 2021 02:58 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

સૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ-અટેક, હૉસ્પિટલમાં દાખલ

સૌરવ ગાંગુલી (તસવીર સૌજન્ય: એએફપી)

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ અને ભૂતપુર્વ ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને શનિવારે છાતીમાં દુ:ખાવો થતા કોલકાતાની વૂડલેન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટીમાંથી પસાર થવું પડશે.

પૂર્વ ક્રિકેટરની તબિયતના સમાચાર મળતા જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ટ્વીટ કર્યું છે કે, ‘એ જાણીને ખૂબ દુઃખ થયું કે સૌરવ ગાંગુલીને હળવો હૃદય રોગનો હુમલો આવ્યો છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ગાંગુલી અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું’.

ક્રિકેટ જર્નલિસ્ટ અને સૌરવ ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, ‘ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. એ પછી તેઓ વૂડલેન્ડ હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ-અટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાનીમાં ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે’.

જ્યારે BCCIના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘મેં દાદાના પરિવાર સાથે વાત કરી છે. તેમની તબિયત સુધારા પર છે. તેઓ જલ્દી સાજા થઈ જાય, તે માટે પ્રાર્થના કરી રહ્યો છું’.

સૌરવ ગાંગુલીની તબિયત અને પરિસ્થિતિ અંગે વધુ અહેવાલોની રાહ જોવાઈ રહી છે.

sports sports news cricket news sourav ganguly board of control for cricket in india kolkata