જો તમારામાં છે આ ખૂબી, તો તમે પણ બની શકો છો ટીમ ઈન્ડિયાના કોચ

16 July, 2019 05:52 PM IST  |  મુંબઈ

જો તમારામાં છે આ ખૂબી, તો તમે પણ બની શકો છો ટીમ ઈન્ડિયાના કોચ

BCCIએ મંગળવારે પુરુષોની ક્રિકેટ ટીમ માટે મુખ્ય કોચ સહિત સપોર્ટ સ્ટાફની ભરતી માટે અરજી મંગાવી છે. યોગ્યતાના માપદંડ પ્રમાણે મુખ્ય કોચની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેને ઓછામાં ઓછા બે વર્ષનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ હોવો જરૂરી છે.

BCCIએ હેડ કોચની સાથે સાથે બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ અને એડેપ્ટિવ કોચ તેમ જટીમ મેનેજરની નિમણુક કરવા માટે અરજી મગાવી છે. આ તમામ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીની છે. જુલાઈ 2017માં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ નિયુક્ત કરતા પહેલા BCCIએ 9 પોઈન્ટ ધરાવતા દિશાનિર્દેશ જાહેર કર્યા હતા, જેમાં સ્પષ્ટતા નહોતી. જો કે આ વખતે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ માટે ત્રણ પોઈન્ટના દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

BCCIના કહેવા પ્રમાણે,'ટીમ ઈન્ડિયાના હાલના કોચિંગ સ્ટાફને નિયુક્તિની પ્રક્રિયામાં સીધો જ પ્રવેશ મળશે. મુખ્ય કોચ માટે અરજી કરનાર વ્યક્તિ ટેસ્ટ રમતા દેશની ટીમને 2 વર્ષ સુધી કોચિંગ આપી ચૂક્યો હોવો જોઈએ અથવા એસોસિયેટ સભ્ય, એ ટીમ, IPL ટીમને ત્રણ વર્ષ કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. સાથે જ અરજી કરનાર વ્યક્તિ 30 ટેસ્ટ કે 50 આંતરરાષ્ટ્રીય વન ડે રમી ચૂક્યો હોવો જોઈએ.'

બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે માપદંડના નિયમો સરખા છે, ફક્ત અરજી કરનાર માટે રમેલી મેચની સંખ્યા જુદી જુદી છે. આ ત્રણ પદ માટે અરજી કરનાર ઓછામાં ઓછી 10 ટેસ્ટ કે 25 આંતરરાષ્ટ્રીય વન ડે રમી ચૂક્યો હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારત 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે ટુર્નામેન્ટ રમવાનું છે, જેને માટે હેડ કોચ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરના કોન્ટ્રાક્ટને વિશ્વકપ બાદ 45 દિવસ માટે વધારવામાં આવ્યો છે. આ તમામ લોકો ફરી અરજી કરી શકે છે, જો કે ટીમને નવો ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છ કારણ કે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની હાર બાદ શંકર બસુ અને પેટ્રિક ફરહાર્ટ રાજીનામુ આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ઉલ્લેખનીય છે કે અનિલ કુંબલેનો કોચ તરીકેનો કાર્યકાળ વિવાદાસ્પદ સ્થિતિમાં સમાપ્ત થયા બાદ 2017માં રવિ શાસ્તરીને મુખ્ય કોચ નિયુક્ત કરાયા હતા. 57 વર્ષના રવિ શાસ્ત્રી ઓગસ્ટ 2014થી જૂન 2016 સુધી ટીમ ઈન્ડિયાના ડિરેક્ટર રહી ચૂક્યા છે.

ravi shastri team india board of control for cricket in india sports news cricket news