16 December, 2025 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અહેવાલ અનુસાર બોર્ડે આદેશ આપ્યો છે કે તમામ વર્તમાન ભારતીય ખેલાડીઓએ ૨૪ ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હઝારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મૅચમાં ભાગ લેવો પડશે. આ નિર્ણયનો ઉદ્દેશ ખેલાડીઓ સ્થાનિક ક્રિકેટ સાથે જોડાયેલા રહે અને ભવિષ્યની નૅશનલ ટીમની પસંદગી માટે તેમની ફિટનેસ જાળવી રાખે એ સુનિશ્ચિત કરવાનો છે.
આ નિયમ તમામ ખેલાડીઓને ફરજિયાત લાગુ પડે છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે, જેમણે ટુર્નામેન્ટ માટે પહેલેથી જ તેમની ઉપલબ્ધતા દર્શાવી છે. જો કોઈ ખેલાડી સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા અનફિટ જાહેર કરવામાં આવે તો જ અપવાદ થશે. આ નિર્દેશ ભારતના તાજેતરના પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી આપવામાં આવ્યો છે. બોર્ડ ઇચ્છે છે કે સિનિયર ખેલાડીઓ મૅચ માટે તૈયાર રહે અને ડોમેસ્ટિક ક્રિકેટ સાથે જોડાયેલા રહે.