22 April, 2025 08:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશjન
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ સોમવારે ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ૩૪ સભ્યોના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટેડ પ્લેયર્સના લિસ્ટની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ઘરેલુ ક્રિકેટની અવગણના કરવા બદલ મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયર અને વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશનને લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમણે ૨૦૨૪-’૨૫ના સિનિયર પ્લેયર્સના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ લિસ્ટમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં હાજરી અને પોતાના પ્રદર્શનના આધારે સ્થાન મેળવ્યું છે. ઐયરને B કૅટેગરી જ્યારે ઈશાને C કૅટેગરીમાં વાપસી કરી છે.
T20 ઇન્ટરનૅશનલમાંથી ગયા વર્ષે નિવૃત્તિ લેનાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાને A+ કૅટેગરીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે જાળવી રાખવામાં આવ્યા છે. ૨૦૨૩-’૨૪ સીઝન દરમ્યાન કાર-એક્સિડન્ટનો ભોગ બનનાર રિષભ પંતને B કૅટેગરીમાં ડિમોટ કરવામાં આવ્યો હતો, આ વર્ષે તેણે A કૅટેગરીમાં વાપસી કરી છે.
આ વર્ષે અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા સહિતના સાત પ્લેયર્સને પહેલી વાર BCCIના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં સ્થાન મળ્યું છે; જ્યારે નિવૃત્ત રવિચન્દ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જિતેશ શર્મા, આવેશ ખાન અને કે. એસ. ભરતને આ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.
કોને કઈ કૅટેગરીમાં સ્થાન મળ્યું ?
A+ : રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા
A : મોહમ્મદ સિરાજ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિષભ પંત
B : સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જાયસવાલ, શ્રેયસ ઐયર
C : રિન્કુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સૅમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.
દરેક કૅટેગરી માટેની શરત અને સૅલેરી શું હોય છે?
A પ્લસ કૅટેગરીમાં એવા પ્લેયર્સનો સમાવેશ થાય છે જેમણે બધાં જ ફૉર્મેટમાં રમવાનું લગભગ નક્કી છે. કૅટેગરી A માટે સમયાંતરે ટેસ્ટ-મૅચ અને અન્ય બે ફૉર્મેટ રમવાનાં હોય છે. કૅટેગરી Bમાં ઓછાંમાં ઓછાં બે ફૉર્મેટ નિયમિતપણે રમનાર પ્લેયર્સને સ્થાન મળે છે અને કૅટેગરી C નવા પ્લેયર્સ અને એક ફૉર્મેટના નિષ્ણાતો માટે છે. A પ્લસ કૅટેગરીમાં સાત કરોડ, A કૅટેગરીમાં પાંચ કરોડ, B કૅટેગરીમાં ત્રણ કરોડ અને C કૅટેગરીમાં એક કરોડ રૂપિયાની વાર્ષિક સૅલેરી મળે છે.
T20માંથી નિવૃત્તિ છતાં રોહિત, વિરાટ અને જાડેજાને કેમ A પ્લસ કૅટેગરીમાં રાખ્યા?
અહેવાલ અનુસાર નવા સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની મુદત ૨૦૨૪ની ૧ ઑક્ટોબરથી ૨૦૨૫ની ૩૦ સપ્ટેમ્બર સુધી છે. સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ માટે લાયક બનવા માટે પ્લેયર્સે એક કૅલેન્ડર વર્ષમાં ત્રણ ટેસ્ટ અથવા આઠ વન-ડે અથવા ૧૦ T20 મૅચ રમવાની હોય છે. કોહલી, રોહિત અને જાડેજા જૂન ૨૦૨૪માં T20 વર્લ્ડ કપ ફાઇનલ રમ્યા હતા અને એ સમયે તેઓ બધાં ફૉર્મેટમાં નિયમિત હતા. એથી તેઓ ટેક્નિકલ રીતે આ કૅટેગરીમાં જળવાઈ રહ્યા છે.