ધવન-કિશનનો દબદબો

19 July, 2021 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની સ્પિન ​ત્રિપુટીએ નિયંત્રણમાં રાખ્યા બાદ બૅટ્સમેનોએ શ્રીલંકાને પહેલી વન-ડેમાં ૭ વિકેટથી આસાનીથી હરાવી દીધું

ધવન-કિશનનો દબદબો

સ્પિનરોની કરકસરભરી બોલિંગ બાદ પહેલી જ વખત ટીમની કૅપ્ટન્સી સંભાળનાર શિખર ધવનના નૉટઆઉટ હાફ-સેન્ચુરી (૯૬ બૉલમાં ૮૫ રનન)ને કારણે કોલંબોમાં રમાયેલી પહેલી વન-ડેમાં ભારતે શ્રીલંકાને ૮૦ બૉલ બાકી રાખીને ૭ વિકેટે હરાવ્યું હતું. ૨૬૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઊતરેલી ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શૉ (૨૪ બૉલમાં ૪૩ રન) અને પહેલી જ વન-ડે રમી રહેલા વિકેટકીપર ઈશાન કિશને (૪૨ બૉલમાં ૫૯) રનનું યોગદાન આપ્યું હતું. મનીષ પાંડેએ ૨૬ રન  કર્યા હતા. સૂર્યકુમાર યાદવ (૨૦ બૉલમાં ૩૧ રન) નૉટઆઉટ રહ્યો હતો.શિખર  ધવને પોતાની કૅપ્ટન તરીકેની પહેલી જ વન-ડેમાં ૮૫ રન કર્યા હતા. જોકે સચિને કૅપ્ટન તરીકે પહેલી વન-ડેમાં ૧૧૦ રન કર્યા હતા. 
કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની કરકસરભરી બોલિંગ છતાં છેલ્લી ઓવરમાં ચમિકા કરુણારત્નેની આક્રમક બૅટિંગને કારણે શ્રીલંકાએ ૯ વિકેટે ૨૬૨ રન કર્યા હતા. કુલદીપ  (૯ ઓવરમાં ૪૮ રનમાં બે વિકેટ) અને ચહલે (૧૦ ઓવરમાં ૫૨ રન આપી બે વિકેટ) શ્રીલંકાના બૅટ્સમેનોને કોઈ છૂટ આપી નહોતી અને વિકેટો પણ લીધી હતી, તો કૃણાલ પંડ્યાએ પણ (૧૦ ઓવરમાં ૨૬ રન આપીને ૧ વિકેટ) મિડલ ઓવર દરમ્યાન રન લેવાનું મુશ્કેલ કરી નાખ્યું હતું.
દીપક ચાહર (૭ ઓ‍વરમાં ૩૭ રન આપીને ​બે વિકેટ)ને પણ સફળતા મળી હતી. હાર્દિક (પાંચ ઓવરમાં ૩૩ રન આપી ૧ વિકેટ)એ  કોઈ પણ જાતની મુશ્કેલી વગર બોલિંગ કરી હતી. કરુણારત્ને (૩૫ બૉલમાં અણનમ ૪૩ રન)એ છેલ્લે આક્રમક બૅટિંગનું પ્રદર્શન કરતાં ટીમ ૨૫૦નો આંકડો વટાવી શકી હતી. તેણે ભુવનેશ્વરકુમારની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. 
કુલદીપ માટે આ મૅચ મહત્ત્વની હતી. તેણે ૧૭મી ઓવરમાં વિકેટ ઝડપીને શ્રીલંકાની ટીમની રિધમ તોડી નાખી હતી અને ફરી એ મેળવી શક્યું નહોતું. ત્રણેય સ્પિનરોએ અલગ-અલગ અંદાજમાં બોલિંગ કરી હતી. ત્રણેય વચ્ચે કુલ ૯૮ ડૉટ બૉલ હતા. અંદાજે ૨૫ ઓવર દરમ્યાન શ્રીલંકા બાઉન્ડરી ફટકારી શક્યું નહોતું. કુલદીપે પહેલાં ભાનુકા રાજપક્સા (૨૪)ને અને ત્યાર બાદ ઓપનર મિનોદ ભાનુકા (૪૪ બૉલમાં ૨૭ રન)ને આઉટ કર્યા હતા. ચહલે ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (૩૫ બૉલમાં ૩૨ રન) અને દાસુન શનાકા (૩૯)ને આઉટ કર્યા હતા.

6000
કૅપ્ટન શિખર ધવને ગઈ કાલે પોતાની ૧૪૩મી વન-ડેમાં આટલા રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે દસમો ભારતીય ખેલાડી બન્યો છે.

cricket news sri lanka sports news sports