24 August, 2025 09:03 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત અને શ્રીલંકામાં યોજાનારા આગામી વન-ડે વર્લ્ડ કપ પહેલાં બંગલાદેશ વિમેન્સ ટીમની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. મોટી ટુર્નામેન્ટની તૈયારી માટે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ચૅલેન્જ કપનું આયોજન કર્યું હતું, જેમાં બંગલાદેશની સિનિયર પ્લેયર્સને રેડ અને ગ્રીન ટીમમાં વિભાજિત કરીને મેદાન પર ઉતારવામાં આવી હતી.
અન્ડર-15 બૉય્ઝ ટીમ સામે તૈયારી કરવા ઊતરેલી આ બન્ને ટીમને વન-ડે ફૉર્મેટની મૅચમાં બૅક-ટુ-બૅક હારનો સામનો કરવો પડ્યો છે. અહેવાલ અનુસાર બૉય્ઝ ટીમે ૮૭ રને રેડ ટીમને અને ૪૭ રને ગ્રીન ટીમને હરાવી છે. બંગલાદેશ વિમેન્સ ટીમ છેલ્લે એપ્રિલ ૨૦૨૫માં ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. ત્યાર બાદથી આ ટીમના પ્લેયર્સ ફક્ત ફિટનેસ કૅમ્પમાંથી પસાર થઈને ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમી રહ્યા છે.