બંગલાદેશ નાલેશીથી બચ્યું, પરાજયથી નહીં

28 May, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટમાં શાકિબ-લિટન દાસે એક ઇનિંગ્સની હારમાંથી ઉગાર્યા, શ્રીલંકન કૅપ્ટને ૧૦ વિકેટની જીત કટોકટીનો સામનો કરી રહેલા દેશવાસીઓને અર્પણ કરી

મૅન ઑફ ધ મૅચ અસિથા ફર્નાન્ડો

મીરપુરમાં ગઈ કાલે બીજી ટેસ્ટના છેલ્લા દિવસે બંગલાદેશ ૧૬૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં શ્રીલંકાને જીતવા માટે ૨૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેમણે ૩ ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વિના મેળવી લીધો હતો. આ સાથે શ્રીલંકાએ બે ટેસ્ટની સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી. પહેલી ટેસ્ટ ડ્રૉ ગઈ હતી. 
પહેલી ઇનિંગ્સમાં ૧૪૧થી પાછળ પડ્યા બાદ યજમાન બંગલાદેશે ચોથા દિવસના અંતે ૩૪ રનમાં ૪ વિકેટ ગુમાવતાં તેમની હાર નક્કી થઈ ગઈ હતી. ગઈ કાલે મુશ્ફિકર રહીમ ૨૩ રન બનાવીને જલદી આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ પહેલી ઇનિંગ્સનો સેન્ચુરિયન લિટન દાસ (બાવન) અને શાકિબ-અલ-હસને (૫૮) ૧૦૩ રનની લડાયક સેન્ચુરી પાર્ટનરશિપને લીધે બંગલાદેશ એક ઇનિંગ્સથી પરાજયની નાલેશી ટાળી શક્યું હતું. ૪૮મી ઓવરમાં આ જોડી તૂટ્યા બાદ માત્ર સાત ઓવરમાં બંગલાદેશ ૧૬૯ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. 
ફર્નાન્ડો હીરો, મૅથ્યુઝ સુપરહીરો
પહેલી ઇનિંગ્સમાં ૯૩ રનમાં ચાર વિકેટ ઝડપનાર પેસ બોલર અસિથા ફર્નાન્ડોએ બીજી ઇનિંગ્સમાં પણ કમાલ કરતાં ૫૧ રનમાં ૬ વિકેટ સાથે પહેલી વાર એક ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપવાની કમાલ કરી હતી. અસિથા પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો, જ્યારે પ્રથમ ટેસ્ટમાં ૧૯૯ અને બીજી ટેસ્ટમાં ૧૪૫ રનની ઇનિંગ્સ રમવા બદલ ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મેળવ્યો હતો. 
કોચની વિજયી શરૂઆત

ઇંગ્લૅન્ડને વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર કોચ ક્રિસ સિલ્વરવુડની શ્રીલંકા સાથે જોડાયા બાદની આ પ્રથમ સિરીઝ હતી અને ૧-૦થી જીત સાથે તેણે વિજયી શરૂઆત કરી હતી. 

જીત દેશવાસીઓને અર્પણ : લંકન કૅપ્ટન

ખુશખુશાલ શ્રીલંકન કૅપ્ટન દિમુથ કરુણારત્નેએ આ ૧૦ વિકેટની જીત તેના દેશવાસીઓને અર્પણ કરી હતી. કરુણારત્નેએ જીત્યા બાદ જણાવ્યું હતું કે ‘અમે દેશવાસીઓનો આભાર માનીએ છીએ અને આ જીત તેમને માટે હતી. અમારો દેશ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.’

cricket news sports news sports bangladesh