મોઇન અલી ક્રિકેટ ન રમતો હોત તો આતંકવાદી હોત

08 April, 2021 11:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલા દેશની લેખિકા તસ્લીમા નસરીનની મોઇન અલી વિરુદ્ધની ટ્વીટે જગાવ્યો વિવાદ

તસ્લીમા નસરીન, મોઇન અલી

બંગલા દેશની લેખિકા તસ્લીમા નસરીનની ઇંગ્લૅન્ડના ક્રિકેટર મોઇન અલી વિશેની એક ટ્વીટે ભારે ધમાલ મચાવી દીધી હતી. મોઇન અલી ક્રિકેટ ન રમતો હોત તો આતંકવાદી હોત એ ટ્વીટ સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઈ ગઈ હતી અને અનેક કિકેટરો મોઇન અલીના સપોર્ટમાં આવ્યા હતા. મોઇન અલીના પિતા પણ આ ટ્વીટને લીધે ભારે ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે નસરીન તેની સામે આવી ગઈ તો તે તેને મારી નાખશે. તસ્લીમા નસરીને ટ્વીટ કર્યું હતું કે ‘મોઇન અલી જો ક્રિકેટ ન રમતો હોય તો આતંકવાદી સમૂહ આઇએસઆઇએસમાં સામેલ થઈ ગયો હોત’

મોઇન અલીએ આ વિશે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, પણ તેના સાથી ખેલાડી જોફ્રા આચરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબ આપ્યો હતો કે ‘તમારી તબિયત તો સારી છેને? મને નથી લાગતું કે સારી હોય.’

ભારે ટીકા અને વિરોધ બાદ નસરીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી અને કહ્યું હતું કે ‘નફરત કરવાવાળા બરાબર સમજે છે કે મોઇન વિશેની મારી ટ્વીટ એક રમૂજ હતી, પણ તેમણે મને અપમાન કરવાનો મુદ્દો બનાવી દીધો હતો.’

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ પેસબોલર રાયન સાઇડબાટમે તસ્લીમાને તેનું ટ્વિટર અકાઉન્ડ ડિલિટ કરી નાખવાની સલાહ આપી હતી.મોઇન અલીના પિતા પણ ખૂબ દુખી થઈ ગયા હતા અને વળતો જવાબ આપ્યો હતો કે તસ્લીમા નસરીનની ટ્વીટ વાંચીને ખૂબ જ દુખી છું. જો તે પોતાની જાતને અરીસામાં જોશે તો તેને સમજાશે કે તેણે શું કહ્યું છે. જો તે ક્યારે પણ મારી સામે આવી ગઈ તો તેને તેના મોઢા પર જ કહીશ કે હું તેના વિશે શું વિચારું છું. સાચું કહું તો મને બહુ ગુસ્સો આવી રહ્યો છે, પણ મને ખબર છે કે જો હું ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો તો આવા લોકો તેમના ઇરાદામાં સફળ થઈ જશે.’

મોઇન અલી આઇપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમવાનો છે.

sports sports news cricket news moeen ali