ભારતમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે બૅક-અપ પ્લાન તૈયાર રાખ્યો છે: આઇસીસી

08 April, 2021 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ઇન્ટરિમ સીઈઓ જ્યોફ અલાર્ડિસ કહે છે કે એ વિશે હજી વધુ વિચારવાનું શરૂ નથી કર્યું અને કોરોનાના કેર છતાં ભારતમાં જ આયોજનની તેમની પ્રાથમિકતા છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાના કેસ રોજેરોજ રેકૉર્ડ-બ્રેક ગતિએ વધી રહ્યા છે અને સરકાર એને રોકવા માટે શક્ય હોય એટલા પ્રયાસ કરી રહી છે એવા માહોલ વચ્ચે આવતી કાલથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ રહી છે. આઇપીએલ સુખરૂપ શરૂ થઈને શાંતિપૂર્વક સંપન્ન થશે કે કેમ એની ચિંતા વચ્ચે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ઇન્ટિરિમ સીઈઓ જ્યોફ અલાર્ડિસે ઑક્ટોબરમાં ભારતમાં જ યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ અંગે બૅક-કપ પ્લાન તૈયાર રાખ્યો હોવાનું જાહેરાત કરી હતી. જોકે તેણે સ્પષ્ટતા પણ કરી હતી કે એના અમલ વિશે હજી વિચારવાનું શરૂ પણ નથી કર્યું અને એ માટેનો સમય પણ હજી નથી આવ્યો.

કોરોનાને લીધે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ રદ કરવો પડ્યો હતો. આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં ઑક્ટોબર અને નવેમ્બરમાં યોજાવાનો છે, પણ કોરોના થોડો શાંત પડ્યા બાદ આજકાલ ફરી તરખાટ મચાવી રહ્યો છે અને ભારતમાં રોજના એક લાખની આસપાસ કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. આઇપીએલની ગઈ સીઝન ભારતે કોરોનાને લીધે યુએઈમાં યોજી હતી, પણ આ વખતે ઘરઆંગણે યોજવાનો ક્રિકેટ બોર્ડે પહેલેથી નિશ્ચય કરી લીધો હતો અને આવતી કાલથી શરૂ થઈ રહી છે. કોરોનાના કેરને લીધે અત્યારના તબક્કેએ મૅચો ખાલી સ્ટેડિયમમાં જ યોજાવાની છે. રોજેરોજ એકાદ-બે ખેલાડી કે ગ્રાઉન્ડ-સ્ટાફ કોરોનાગ્રસ્ત થયાના રિપોર્ટથી આયોજકો પણ ભારે ટેન્શનમાં છે.

મનુ સહાનીને સજારૂપી સજા પર મોકલી અપાતાં જનરલ મૅનેજર જ્યોફ અલાર્ડિસને ઇન્ટરિમ સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યો છે. ૫૪ વર્ષના અલાર્ડિસે ગઈ કાલે એક વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે ‘અમે આગામી ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં યોજવાના અમારા પ્લાન પર જ આગળ વધી રહ્યા છીએ. આજકાલના માહોલને જોતાં વિપરીત સંજાગો નિર્માણ થાય તો એ માટે તૈયાર રહેવા માટે અમે બૅક-અપ પ્લાન ઘડી રાખ્યો છે, પણ એ પ્લાન વિશે પણ અત્યારે તો જરાય વિચાર નથી કરતા. અમે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે નિયમિત સંપર્કમાં છીએ. ભારતમાં આ ટી૨૦ વર્લ્ડ કપ યોજવાની અમારી પ્રાથમિકતા છે.’

અલાર્ડિસે વધુમાં કહ્યું હતું કે ‘કોરોનાકાળમાં કઈ રીતે રમતનું આયોજન થઈ રહ્યું છે એ જાણવા માટે અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ અને અન્ય રમતના સંચાલકોના નિયમિત સંપર્કમાં આઇસીસી છે. અત્યારે આપણે સારી સ્થિતિમાં છીએ, પરંતુ એમ પણ માનીએ છીએ કે દુનિયાભરમાં ખૂબ ઝડપથી બદલાવ આવી રહ્યો છે. બે મહિના બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલનું આયોજન કરવાનું છે. જોકે આઇસીસી અત્યારે તો આ ફાઇનલ અને ટી૨૦ વર્લ્ડ કપને શૅડ્યુલ પ્રમાણે નિધારિત સ્થળે જ યોજવા આગળ વધી રહી છે.’

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનણિપની ફાઇનલ અને ટી૨૦ વર્લ્ડ કપ વિશે બૅક-અપ પ્લાનમાં આઇપીએલની ગઈ સીઝન જ્યાં સફળતાપૂર્વક યોજાઈ હતી એ યુએઈમાં હોવાનું માનવામાં આવે છે.

અલાર્ડિસે છેલ્લે ડીઆરએસના વિવાદ વિશે કહ્યું હતું કે એ સ્પષ્ટ દેખાતી ભૂલોને બદલવા માટે અમલમાં મુકવામાં આવ્યો હતો અને એમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. બીજું, ખેલાડીઓએ શક્ય હોય એટલા જલદી કોરોનાની વૅક્સિન લઈ લેવી જોઈએ.

sports sports news cricket news world t20