શ્રીલંકામાં ઑસ્ટ્રેલિયા પહેલી વાર સેકન્ડ બૅટિંગ કરીને જીત્યું

02 July, 2022 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવાબે દિવસમાં મૅચ પૂરી : લાયન-ટ્રેવિસની ચાર-ચાર અને સ્વેપસનની બે વિકેટ : ગ્રીન મૅચનો હીરો

ગૉલમાં ગઈ કાલે શ્રીલંકા સામે જીતી ગયા પછી મેદાન પર રગ્બી બૉલથી રમી રહેલી પુત્રી સાથે ઑસ્ટ્રેલિયાનો ઓપનર ઉસ્માન ખ્વાજા. એ.એફ.પી.

ટેસ્ટ-મૅચ પાંચ દિવસના પૂરા સમયને બદલે અડધા કરતાં પણ ઓછા સમયમાં (માત્ર સવાબે દિવસમાં) પૂરી થઈ હોવાના બહુ ઓછા કિસ્સા ટેસ્ટના ઇતિહાસમાં બન્યા છે અને ગઈ કાલે ગૉલમાં યજમાન શ્રીલંકાની હાર સાથે પૂરી થઈ એ લેટેસ્ટ કિસ્સો છે. બુધવારે પહેલા દાવમાં ૨૧૨ રન બનાવનાર શ્રીલંકાની ટીમ કાંગારૂઓના ૩૨૧ રન બાદ ગઈ કાલે બીજા દાવમાં ધબડકાને કારણે ફક્ત ૧૧૩ રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયનોને પાંચ રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે ફક્ત ચાર બૉલમાં વિના વિકેટે મેળવી લેવામાં આવ્યો હતો. ઑફ-સ્પિનર નૅથન લાયને ચાર, પાર્ટ-ટાઇમ ઑફ-સ્પિનર ટ્રેવિસ હેડે ચાર અને લેગ-સ્પિનર મિચલ સ્વેપસને બે વિકેટ લીધી હતી.
શ્રીલંકામાં ઑસ્ટ્રેલિયા પહેલી વાર સેકન્ડ બૅટિંગ કર્યા બાદ ટેસ્ટ જીત્યું છે. શ્રીલંકામાં (૧૯૮૩થી ૨૦૧૧ દરમ્યાન) એના આગલા સાતેય વિજય પ્રથમ બૅટિંગ કર્યા પછીના હતા.
મૅચમાં હાઇએસ્ટ ૭૭ રનની ઇનિંગ્સ રમનાર ઑસ્ટ્રેલિયાના કૅમેરન ગ્રીનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
વૉર્નરની સિક્સ-ફોરથી લક્ષ્યાંક સિદ્ધ
શ્રીલંકા બીજા દાવમાં માત્ર ૧૧૩ રનમાં આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર પાંચ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ડેવિડ વૉર્નરે શરૂઆતના બે ડૉટ-બૉલ પછીના બે સ્કોરિંગ-શૉટ (ફોર અને સિક્સર)માં જ અપાવી દીધો હતો.
લાયન ૯ વિકેટ બાદ ટૉપ-ટેનમાં
ઑફ-સ્પિનર નૅથન લાયને બીજા દાવમાં ૪ વિકેટ લીધી હતી. પ્રથમ દાવની પાંચ વિકેટ સાથે તેણે મૅચમાં કુલ ૯ શિકાર કર્યા હતા. તેની ટેસ્ટ-ક્રિકેટમાં કુલ ૪૩૬ વિકેટ થઈ છે. એ સાથે તેણે કપિલ દેવના ૪૩૪ વિકેટના આંકડાને પાર કર્યો હતો. એક સમય હતો જ્યારે કપિલની ૪૨૪ વિકેટ સર્વોચ્ચ સ્થાને હતી. કપિલ હાઇએસ્ટ વિકેટ-ટેકર્સના લિસ્ટમાં ટૉપ-ટેનની બહાર આવી ગયા છે અને લાયને તેમનું ૧૦મું સ્થાન લઈ લીધું છે.

1
ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં આટલામો ટેસ્ટ-વિજય ૧૧ વર્ષ બાદ માણ્યો. આ પહેલાં ૨૦૧૧માં પણ તેઓ ગૉલમાં જ જીત્યા હતા.

sports news cricket news australia sri lanka