૭ રનમાં ૬ વિકેટ ગુમાવીને કાંગારૂઓ સામે હારી હરમનપ્રીત ઍન્ડ કંપની

20 February, 2026 03:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજી T20 મૅચ ૧૯ રને જીતીને ઑસ્ટ્રેલિયાએ સિરીઝ ૧-૧થી લેવલ કરી

જ્યૉર્જિયા વૉલે ૫૭ બૉલમાં ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૮૮ રન ફટકાર્યા હતા.

કૅનબેરામાં ગઈ કાલે રમાયેલી બીજી T20 મૅચમાં ૧૯ રને જીત મેળવીને યજમાન ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમે ૩ મૅચની સિરીઝને ૧-૧થી લેવલ કરી છે. ઓપનર જ્યૉર્જિયા વૉલની બેસ્ટ T20 ઇનિંગ્સની મદદથી ઑસ્ટ્રેલિયાએ ૧૬૩/૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૪૪ રન કરી શકી હતી. શનિવારે સિરીઝની નિર્ણાયક મૅચ ઍડીલૅડમાં રમાશે.

3432: આટલા રન સાથે ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ માટે T20ની હાઇએસ્ટ રન સ્કોરર બની બેથ મૂની. અગાઉ મેગ લૅનિંગે ૩૪૦૫ રન કર્યા હતા. 

2500: ભારતીય વિમેન્સ T20 ટીમ માટે આટલા રન કરનાર ત્રીજી બૅટર બની શફાલી વર્મા. અગાઉ સ્મૃતિ અને હરમનપ્રીતે કરી હતી આ કમાલ. 

ઑસ્ટ્રેલિયાની ઓપનર્સ જ્યૉર્જિયા વૉલ અને બેથ મૂની ૧૫ ઓવર સુધી ૧૨૮ રનની ભાગીદારી કરીને પિચ પર ટકી રહી હતી. જ્યૉર્જિયાએ ૫૭ બૉલમાં ૧૧ ફોર અને ૧ સિક્સની મદદથી ૮૮ રન ફટકાર્યા હતા, જ્યારે બેથ મૂનીએ ૩૯ બૉલમાં ૪ ફોરની મદદથી ૪૬ રન કર્યા હતા. ભારત તરફથી પેસ બોલર અરુંધતી રેડ્ડીએ બે વિકેટ અને રેણુકા સિંહ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી.  રન-ચેઝ દરમ્યાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૩૦ બૉલમાં પાંચ ફોરની મદદથી ૩૬ રન કર્યા હતા. સ્મૃતિ માન્ધનાએ ૩૧ રન, શફાલી વર્માએ ૨૯ રન, રિચા ઘોષે ૧૯ અને ક્રાન્તિ ગૌડે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. સત્તરથી વીસમી ઓવર દરમ્યાન ભારતે માત્ર ૭ રનની અંદર પોતાની ૬ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયન સ્પિનર ઍશ્લી ગાર્ડનરે ૪ ઓવરમાં બાવીસ રન આપીને ૩ વિકેટ લીધી હતી. કૅપ્ટન અને સ્પિનર સોફી મૉલિનુ સહિત પેસ બોલર્સ ઍનાબેલ સધરલૅન્ડ, કિમ ગાર્થને ૨-૨ સફળતા મળી હતી. 

સૌથી વધુ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર મેન્સ-વિમેન્સ પ્લેયર હવે ભારતીય

મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સચિન તેન્ડુલકર હાઇએસ્ટ ૬૬૪ મૅચ રમનાર ખેલાડી છે. ગઈ કાલે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હાઇએસ્ટ ૩૫૬ મૅચ રમનારી પ્લેયર બની હતી. ન્યુ ઝીલૅન્ડની ૩૮ વર્ષની ક્રિકેટર સુઝી બેટ્સ ૩૫૫ મૅચ સાથે બીજા ક્રમે સરકી ગઈ છે. ૩૬ વર્ષની હરમનપ્રીત કૌર ૨૦૦૯થી ૬ ટેસ્ટ-મૅચ, ૧૬૧ વન-ડે અને ૧૮૯ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકી છે.

વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં બન્ને સેમી-ફાઇનલમાં સતત બીજી વખત એકસરખા હરીફ ટકરાશે

થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં આજે વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની બે સેમી-ફાઇનલ મૅચ રમાશે. સવારે ૮ વાગ્યાથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની શ્રીલંકા સામે અને બપોરે ૧૨.૩૦ વાગ્યે ગયા વખતની રનર-અપ ટીમ બંગલાદેશની પાકિસ્તાન સામે સેમી-ફાઇનલનો જંગ શરૂ થશે. ૨૦૨૩માં જ્યારે આ ટુર્નામેન્ટ ઇમર્જિંગ એશિયા કપના નામ તરીકે રમાઈ હતી ત્યારે પણ આ ચારેય ટીમ સેમી-ફાઇનલિસ્ટ હતી. એ પહેલી સીઝનમાં પણ ભારત-શ્રીલંકા અને બંગલાદેશ-પાકિસ્તાન વચ્ચે સેમી-ફાઇનલ મૅચ રમાઈ હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને પોતાના અભિયાનની શરૂઆતમાં માત્ર યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાને પણ પોતાના અભિયાનની શરૂઆતમાં માત્ર બંગલાદેશ સામે હાર મળી હતી. માત્ર બંગલાદેશી ટીમ હમણાં સુધી અજેય રહી છે.

australia t20 world cup indian womens cricket team cricket news sports sports news