17 July, 2025 07:07 AM IST | Caribbean | Gujarati Mid-day Correspondent
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ ઑસ્ટ્રેલિયા.
ગઈ કાલે ત્રીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૨૫ રન કરનાર કાંગારૂઓ બીજી ઇનિંગ્સમાં ૩૭ ઓવરમાં ૧૨૧ રને ઑલઆઉટ થયા હતા. પહેલી ઇનિંગ્સમાં ૧૪૩ રન કરનાર યજમાન ટીમ બીજી ઇનિંગ્સમાં ૨૦૪ રનના ટાર્ગેટ સામે ૧૪.૩ ઓવરમાં ઢેર થતાં ઑસ્ટ્રેલિયાએ ૧૭૬ રને જીત નોંધાવી હતી. ઑસ્ટ્રેલિયા આ હરીફ ટીમ સામે બે દાયકા કરતાં વધુ સમયથી ટેસ્ટ-સિરીઝ હાર્યું નથી.
ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ૯૯ રનના સ્કોરથી બીજી ઇનિંગ્સ આગળ ધપાવી હતી, પણ આઠ ઓવરમાં માત્ર બાવીસ રન ઉમેરીને બાકીની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં કાંગારૂઓ માટે ટૉપ ઑર્ડર બૅટર કૅમરન ગ્રીન (૬૬ બૉલમાં ૪૨ રન) ટૉપ સ્કોરર રહ્યો જ્યારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર્સ શમર જોસેફ (૩૪ રનમાં ચાર વિકેટ) અને અલ્ઝારી જોસેફ (૨૭ રનમાં પાંચ વિકેટ)એ તરખાટ મચાવ્યો હતો.
૨૦૪ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમ પહેલી ઓવરથી જ ઘૂંટણિયે પડી ગઈ હતી. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૯ રનમાં ૬ વિકેટ), સ્કૉટ બૉલેન્ડ (બે રનમાં ૩ વિકેટ) અને જોશ હેઝલવુડે (૧૦ રનમાં એક વિકેટ) આખી ટીમને ઑલઆઉટ કરી હતી. કૅરિબિયન ટીમ તરફથી જસ્ટિન ગ્રીવ્સ (૨૪ બૉલમાં ૧૧ રન) અને અલ્ઝારી જોસેફ (૨૮ બૉલમાં ૪ રન અણનમ) જ ૨૦ પ્લસ બૉલ રમી શક્યા હતા.
સ્કૉટ બોલૅન્ડે હૅટ-ટ્રિક વિકેટ લઈને રચ્યો ઇતિહાસ.
વેસ્ટ ઇન્ડીઝે ક્યા અનિચ્છનીય રેકૉર્ડ કર્યા?
૧૪૮ વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડીઝે ૨૭ રનનો બીજો લોએસ્ટ અને ૨૧મી સદીનો સૌથી લોએસ્ટ સ્કોર કર્યો.
૧૭૦ રન એક ટેસ્ટમાં કૅરિબિયન ટીમના લોએસ્ટ રન છે. ૧૯૫૭નો ઇંગ્લૅન્ડ સામેનો ૧૭૫ રનનો રેકૉર્ડ તૂટ્યો.
પહેલી વાર એક ઇનિંગ્સમાં ૭ પ્લેયર્સ ઝીરોમાં આઉટ થયા છે. આ પહેલાં ૯ વાર એક ઇનિંગ્સમાં ૬ પ્લેયર્સ ઝીરોમાં આઉટ થયા છે.
ચાર ડક ગોલ્ડન ડક હતા, જેણે સંયુક્ત રીતે ૨૦૧૭ના ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી હતી.
એક ટેસ્ટ-ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર
ઇંગ્લૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડનો - ૨૬ રન (૧૯૫૫)
ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝનો - ૨૭ રન (૨૦૨૫)
ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનો - ૩૦ રન (૧૮૯૬)
ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનો - ૩૦ રન (૧૯૨૪)
ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાનો - ૩૫ રન (૧૮૯૯)
સદીની સૌથી ટૂંકી ટેસ્ટ-મૅચ
આ મૅચમાં ૧૦૪૫ બૉલમાં માત્ર ૫૧૬ રન બન્યા હતા. આ ટેસ્ટ-મૅચ વર્તમાન સદીની સૌથી ઓછા રન અને બૉલવાળી ટેસ્ટ-મૅચ સાબિત થઈ હતી. ૧૬મી વાર એક ટેસ્ટ-મૅચમાં એક પણ વ્યક્તિગત ફિફ્ટી જોવા નહોતી મળી. ૨૦૧૫ બાદ આ પહેલી ઘટના હતી.
કૅરિબિયન ક્રિકેટને પુનર્જીવિત કરવા માટે મહાન ક્રિકેટર્સ પાસે માગવી પડી છે મદદ
ઑસ્ટ્રેલિયા સામે ગઈ કાલે મળેલી શરમજનક અને ઊંઘ હરામ કરી દે એવી ટેસ્ટ-મૅચમાં મળેલી હાર બાદ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના પ્રમુખ કિશોર શાલોએ જાહેરાત કરી છે કે કૅરિબિયન ક્રિકેટને પુનર્જીવિત કરવાના માર્ગો પર ચર્ચાને મજબૂત બનાવવા માટે ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ ક્લાઇવ લૉયડ, વિવ રિચર્ડ્સ અને બ્રાયન લારાને આમંત્રણ અપાયું છે. તેઓ શિવનારાયણ ચંદરપૉલ જેવા ટીમના ભૂતપૂર્વ પ્લેયર્સ અને હાલની ક્રિકેટ કમિટીના સભ્યો સાથે જોડાશે.
પિન્ક બૉલથી પહેલી વાર વિકેટની હૅટ-ટ્રિક
ઘરની બહાર પહેલી વાર ડે-નાઇટ ટેસ્ટ રમતાં ઑસ્ટ્રેલિયન ટીમે અનેક કીર્તિમાન પોતાને નામે કર્યા હતા. પહેલા દિવસે ૧૧, બીજા દિવસે ૧૫ અને ત્રીજા દિવસે ૧૪ વિકેટ પડી હતી. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડે બીજી ઇનિંગ્સમાં માત્ર બે રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બે ઓવરમાંથી પહેલી ઓવર મેઇડન ફેંક્યા બાદ તેણે બીજી ઓવરમાં હૅટ-ટ્રિક વિકેટ ઝડપી હતી. તે પિન્ક બૉલથી હૅટ-ટ્રિક વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો.
ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ફાસ્ટેસ્ટ પાંચ વિકેટ ઝડપી
૧૦૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલા ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ત્રીજી મૅચમાં સાત અને આખી સિરીઝમાં ૧૫ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો. તેણે ૭.૩માંથી ૪ ઓવર મેઇડન ફેંકીને ૯ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. તે ૧૦૦મી ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કરનાર પ્લેયર બન્યો હતો.
પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝના અવૉર્ડ સાથે મિચલ સ્ટાર્ક.
મિચલ સ્ટાર્કે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ લેવાની સાથે ૧૫ બૉલમાં પાંચ વિકેટ ઝડપી હતી જે ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી ફાસ્ટેસ્ટ પાંચ વિકેટ લેવાનો રેકૉર્ડ પણ છે. આ પહેલાં ત્રણ બોલર્સે ૧૯ બૉલમાં પાંચ વિકેટનો રેકૉર્ડ કર્યો હતો. ૧૯,૦૬૨ બૉલમાં ૪૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરીને સ્ટાર્ક આ માઇલસ્ટોન ફાસ્ટેસ્ટ અંદાજમાં પૂરો કરનાર સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન (૧૬,૬૩૪ બૉલ) બાદ બીજો પ્લેયર બન્યો હતો.