09 August, 2025 08:53 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ટીમની ફાઇલ તસવીર
આવતી કાલે ૧૦ ઑગસ્ટથી ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝ શરૂ થશે. એ પહેલાં યજમાન ટીમના ઑસ્ટ્રેલિયાના T20 કૅપ્ટન મિચલ માર્શે આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટેની ઓપનિંગ જોડીને લઈને મોટો ખુલાસો કર્યો છે.
માર્શે કહ્યું કે ‘નજીકના ભવિષ્યમાં હું અને ટ્રૅવિસ હેડ ઓપનિંગ કરીશું. દેખીતી રીતે અમે સાથે ઘણું રમ્યા છીએ, અમારા સંબંધો ખૂબ સારા છે એથી અમે ત્યાંથી શરૂઆત કરીશું.’
મિચલ માર્શ અને ટ્રૅવિસ હેડ હજી સુધી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં એકસાથે ઓપનિંગ કરી શક્યા નથી, પરંતુ વન-ડેમાં તેમની ભાગીદારી સફળ રહી છે. બન્નેએ પાંચ વન-ડેમાં ૭૦.૫ની ઍવરેજથી ૨૮૨ રનની ભાગીદારી કરી છે.
ઍશિઝ માટે મૅક્ગ્રાની આગાહી: ઑસ્ટ્રેલિયા ૫-૦થી સિરીઝ જીતશે
ઑસ્ટ્રેલિયન ટેસ્ટ-કૅપ્ટન મિચલ સ્ટાર્ક સાથે ગ્લેન મૅક્ગ્રા
ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રતિષ્ઠિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝને હજી ત્રણ મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાએ ઇંગ્લૅન્ડ સામે કાંગારૂ ટીમ ૫-૦થી જીતશે એવી મોટી આગાહી કરી લીધી છે. બન્ને ટીમ વચ્ચે પર્થમાં ૨૧ નવેમ્બરથી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે. વર્ષ ૨૦૧૫ બાદ ઇંગ્લૅન્ડ ઍશિઝ જીતી શક્યું નથી.