ગપ્ટિલ ભારે પડતાં કાંઠે આવીને ડૂબ્યું ઑસ્ટ્રેલિયા

26 February, 2021 08:08 AM IST  |  Dunedi | Gujarati Mid-day Correspondent

ગપ્ટિલ ભારે પડતાં કાંઠે આવીને ડૂબ્યું ઑસ્ટ્રેલિયા

૯૭ રન કર્યા બાદ આઉટ થતાં પૅવિલિયનમાં જઈ રહેલો માર્ટિન ગપ્ટિલ (તસવીર: પી.ટી.આઇ.)

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની બીજી ટી૨૦ મૅચમાં ગઈ કાલે યજમાન ન્યુ ઝીલૅન્ડે ચાર રનના નજીવા માર્જિનથી મૅચ જીતીને સિરીઝમાં ૨-૦ની લીડ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો અને ન્યુ ઝીલૅન્ડે પહેલાં બૅટિંગ કરતાં ઓપનર માર્ટિન ગપ્ટિલની જબરદસ્ત ૯૭ રનની ઇનિંગને લીધે ૭ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા, જેને લીધે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

પહેલાં બૅટિંગ કરતાં ગપ્ટિલ અને ટિમ સિફર્ટે પહેલી વિકેટ માટે ૨૦ રન જ બનાવ્યા હતા. સિફર્ટ માત્ર ૬ રન કરીને આઉટ થયો હતો. વનડાઉન આવેલા કૅપ્ટન કેન વિલિયમસને ગપ્ટિલ સાથે મળીને બીજી વિકેટ માટે ૧૩૧ રનની શાનદાર પાર્ટનરશિપ કરી હતી. વિલિયમસન ૩૫ બૉલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી ૫૩ રને આઉટ થયો હતો. પોતાની સેન્ચુરી ચૂકી જનાર ગપ્ટિલ માત્ર ૫૦ બૉલમાં ૬ ચોગ્ગા અને ૮ સિક્સર ફટકારીને ૯૭ રનની ઇનિંગ રમ્યો હતો. જેમ્સ નીશામે પણ છેલ્લે સુધી ક્રીઝ પર રહીને ૧૬ બૉલમાં એક ચોગ્ગો અને ૬ સિક્સર ફટકારી અણનમ ૪૫ રન બનાવ્યા હતા. કેન રિચર્ડસનને ત્રણ અને ડૅનિયલ સેમ્સ, ઝ્‍યે રિચર્ડસન તેમ જ ઍડમ ઝૅમ્પાને એક-એક વિકેટ મળી હતી.

૨૨૦ રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે સારી લડત આપી હતી. પાંચમા ક્રમે આવેલા માર્ક્સ સ્ટૉઇનિસે ૩૭ બૉલમાં ૭ ચોગ્ગા અને પાંચ સિક્સર દ્વારા સૌથી વધારે ૭૮ રન કર્યા હતા, જ્યારે જોશ ફિલિપ અને ડૅનિયલ સૅમ્સ અનુક્રમે ૪૫ અને ૪૧ રને આઉટ થતાં બન્ને હાફ સેન્ચુરી ચૂકી ગયા હતા. મૅથ્યુ વેડ ૨૪ રને અને કૅપ્ટન ઍરોન ફિન્ચ ૧૨ રને આઉટ થયા હતા. તેરમી અને વીસમી ઓવરમાં બે-બે વિકેટનો ફટકો પડતાં કાંગારૂ ટીમ છેલ્લે સુધી ૨૧૫ રન જ કરી શકી હતી, જેને લીધે ન્યુ ઝીલૅન્ડે બીજી ટી૨૦માં ચાર રને જીત મેળવતાં સિરીઝમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું હતું. સિરીઝમાં જળવાઈ રહેવા ઑસ્ટ્રેલિયાએ ત્રીજી માર્ચે રમાનારી ત્રીજી ટી૨૦ મૅચ જીતવી અત્યંત જરૂરી બની રહેશે.

રોહિતનો રેકૉર્ડ તોડી સિક્સર-કિંગ બન્યો ગપ્ટિલ

ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટી૨૦ મૅચ પહેલાં હિટમૅન રોહિત શર્માના નામે હતો, જે ગઈ કાલે માર્ટિન ગપ્ટિલે તોડ્યો હતો. ગપ્ટિલે મૅચમાં કુલ ૮ સિક્સર ફટકારી હતી, જેને લીધે તેની ટી૨૦ મૅચમાં સિક્સરની કુલ સંખ્યા હવે ૧૩૨ થઈ ગઈ છે અને રોહિત ૧૨૭ સિક્સર સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. વળી ગપ્ટિલે આ ઉપલબ્ધિ માત્ર ૯૬ મૅચમાં મેળવી હતી, જ્યારે રોહિતે ૧૨૭ સિક્સર ફટકારવા ૧૦૮ મૅચ રમવી પડી છે. આ યાદીમાં ઇંગ્લૅન્ડનો ઓઇન મૉર્ગન ૯૭ મૅચમાં ૧૧૩ સિક્સર સાથે ત્રીજા સ્થાને છે.

sports sports news cricket news t20 new zealand australia martin guptill