31 January, 2025 09:00 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
વિકેટની ઉજવણી કરતી ઑસ્ટ્રેલિયન વિકેટકીપર બેથ મૂની અને અલાના કિંગ.
વિમેન્સ ઍશિઝ ૨૦૨૫ના ભાગરૂપે ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. આ ટેસ્ટ-મૅચ ઐતિહાસિક છે, કારણ કે MCGના મેદાન પર આ પહેલવહેલી પિન્ક બૉલ ટેસ્ટ-મૅચ છે. વર્ષ ૧૯૪૯ બાદ પહેલી વાર એટલે કે ૨૧મી સદીમાં પહેલી વાર આ મેદાન પર વિમેન્સ ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે. ૧૯૩૪-’૩૫માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની મહિલા જગતની પહેલી ટેસ્ટ-સિરીઝની ૯૦મી ઍનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે પણ આ મૅચ રમાઈ રહી છે.
ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૭૧.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ દિવસના અંતે બાવીસ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૫૬ રન કર્યા હતા.
વન-ડે અને T20 સિરીઝ જીતીને ઑસ્ટ્રેલિયન ટીમે વિમેન્સ ઍશિઝ ૨૦૨૫ની ટ્રોફી પર કબજો કર્યો છે. આ એકમાત્ર ટેસ્ટ જીતીને કાંગારૂ ટીમ અજેય રહેવાનો પ્રયાસ કરશે.