હોમ ગ્રાઉન્ડ ઍૅડીલેડમાં ટ્રૅવિસ હેડે સતત ચોથી ટેસ્ટ-સદી ફટકારી

20 December, 2025 06:01 PM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

પહેલી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડ ૨૮૬ રનમાં ઢેર થયું, યજમાન ટીમે ત્રીજા દિવસે ૨૭૧-૪નો સ્કોર કરીને ૩૫૬ રનની લીડ મેળવી

હોમ ગ્રાઉન્ડ ઍૅડીલેડમાં ટ્રૅવિસ હેડે સતત ચોથી ટેસ્ટ-સદી ફટકારી

ઍડીલેડમાં ત્રીજા દિવસની રમતના અંતે યજમાન દેશે ૩૫૬ રનની લીડ સાથે સિરીઝ પર ઑલમોસ્ટ કબજો કરી લીધો છે. ઇંગ્લૅન્ડે કૅપ્ટન બેન સ્ટોક્સના ૮૩ રન અને જોફ્રા આર્ચરના ૫૧ રનની મદદથી પહેલી ઇનિંગ્સની ૮૭.૨ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૮૬ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૩૭૧ રન કરનાર ઑસ્ટ્રેલિયાએ ટ્રૅવિસ હેડની સદી અને ઍલેક્સ કૅરીની ફિફ્ટીને આધારે ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સની ૬૬ ઓવરમાં ૪ વિકેટે ૨૭૧ રન કર્યા હતા. 
ઇંગ્લૅન્ડે ત્રીજા દિવસે ૬૯મી ઓવરમાં ૨૧૩-૮ના સ્કોરથી મોટો સ્કોર કરવાનો સંઘર્ષ ફરી શરૂ કર્યો હતો. કૅપ્ટન બેન સ્ટોક્સે ૧૯૮ બૉલમાં ૮ ફોરની મદદથી ૮૩ રન કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. જોફ્રા આર્ચરે ૧૦૫ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરના આધારે ૫૧ રન કરીને ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલવહેલી ફિફ્ટી નોંધાવી હતી. ઑસ્ટ્રેલિયા માટે પૅટ કમિન્સ અને સ્કૉટ બૉલૅન્ડે ૩-૩, નૅથન લાયને બે જ્યારે મિચલ સ્ટાર્ક અને કૅમરન ગ્રીને એક-એક વિકેટ ઝડપી હતી. 
કાંગારૂ ટીમના ઓપનર ટ્રૅવિસ હેડે પોતાની જન્મભૂમિ પર ૧૯૬ બૉલમાં ૧૪૨ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ૧૩ ફોર અને બે સિક્સરની આ ઇનિંગ્સની મદદથી તેણે ઍડીલેડમાં સતત ચોથી મૅચમાં ટેસ્ટ-સદી ફટકારી હતી. પહેલી ઇનિંગ્સના શતકવીર ઍલેક્સ કૅરીએ ૯૧ બૉલમાં બાવન રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. તે બન્ને આજે પોતાની પાંચમી વિકેટની ૧૨૨ રનની ભાગીદારી મોટી કરીને મજબૂત ટાર્ગેટ આપવાનો પ્રયાસ કરશે. 

ચોથા ક્રમે રમીને ઉસ્માન ખ્વાજાએ ૫૧ બૉલમાં ૪૦ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ડકઆઉટ થયેલો કૅમરન ગ્રીન ૭ બૉલમાં ૭ રન જ કરી શક્યો હતો. અંગ્રેજ ટીમના ફાસ્ટ બોલર જોશ ટૉન્ગને આ ઇનિંગ્સમાં ૫૯ રનમાં બે વિકેટ મળી હતી, બ્રાયડન કાર્સ અને વિલ જૅક્સને એક-એક સફળતા મળી હતી.

ઇંગ્લૅન્ડે ૧૬૮-૮થી ૨૮૬-૧૦ સુધી સ્કોર પહોંચાડી દીધો
ઍડીલેડ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૧૬૮ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી ટીમે ૨૮૬ રને ઇનિંગ્સનો અંત કર્યો હતો. આ સ્કોર ૧૭૫ રનથી ઓછા રનમાં ૮ વિકેટ ગુમાવ્યા બાદ કરેલો એકવીસમી સદીનો સૌથી હાઇએસ્ટ ટીમ-સ્કોર છે. અગાઉ કાંગારૂ ટીમે ઇંગ્લૅન્ડ સામે ૨૦૧૯માં ૧૨૨ રન પર ૮ વિકેટ ગુમાવ્યા બાદ ૨૮૪ રન કર્યા હતા. 

હેડ એક વેન્યુ પર સતત ૪ સદી કરનાર પહેલો ડાબા હાથનો આ‌ૅસ્ટ્રેલિયન બન્યો 
ટ્રૅવિસ હેડે ઍડીલેડના મેદાન પર ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૭૫ રન, ૨૦૨૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૧૯ રન અને ૨૦૨૪માં ભારત સામે ૧૪૦ રન કર્યા હતા. ગઈ કાલે તેણે ફરી સદી ફટકારીને એક વેન્યુ પર સતત ૪ ટેસ્ટ-સદી ફટકારનાર ડાબા હાથના કાંગારૂ બૅટર બનવાનો રેકૉર્ડ કર્યો હતો. તેના સિવાય જમણા હાથના કાંગારૂ બૅટર્સ ડૉન બ્રૅડમૅને મેલબર્નમાં, માઇકલ ક્લાર્કે ઍડીલેડમાં અને સ્ટીવ સ્મિથે મેલબર્નમાં આ કમાલ કરી હતી.

australia england cricket news sports news sports west indies