ઑસ્ટ્રેલિયાએ માત્ર ૧૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી એટલે શ્રીલંકાએ સિરીઝ લેવલ કરી

18 June, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલાલાગે તેમ જ ઑફ-સ્પિનર ધનંજય ડિસિલ્વાએ બે-બે વિકેટ અને ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ માત્ર ૧૯ રનમાં પાંચ વિકેટ ગુમાવી એટલે શ્રીલંકાએ સિરીઝ લેવલ કરી

ગુરુવારે પલ્લેકેલમાં શ્રીલંકાએ બીજી વન-ડેમાં બૅટિંગ મળ્યા પછી ૯ વિકેટે ૨૨૦ રન બનાવ્યા ત્યાર પછી વરસાદને કારણે ઑસ્ટ્રેલિયાને ૪૩ ઓવરમાં ૨૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો એ મેળવવો એના માટે શક્ય હતો, કારણ કે ૧૭૦મા રન સુધી એની પાંચ જ વિકેટ પડી હતી અને બાકીના ૪૬ રન બાવન બૉલમાં બનાવવાના હતા, પરંતુ ૧૭૦મા રને કાંગારૂઓની ટીમે ઇન-ફૉર્મ બૅટર ગ્લેન મૅક્સવેલ (૩૦ રન)ની વિકેટ પડતાં મૅચમાં ટર્ન આવી ગયો હતો અને તેમણે એ વિકેટ સહિત ૧૯ રનમાં કુલ પાંચ વિકેટ ગુમાવી દેતાં છેવટે શ્રીલંકાનો (પાંચ ઓવર બાકી રહેતાં) ૨૬ રનથી વિજય થયો હતો. ઍરોન ફિન્ચની ટીમ ૨૧૬ના ટાર્ગેટ સામે ૧૮૯ રને ઑલઆઉટ થઈ હતી. શ્રીલંકાએ પાંચ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી.
શ્રીલંકાની ટીમમાં ઈજાગ્રસ્ત લેગ-સ્પિનર વનિન્દુ હસરંગાનો સમાવેશ નહોતો થયો છતાં યજમાન ટીમ જીતી હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૯ રનમાં છેલ્લી પાંચ વિકેટ ગુમાવી એમાં મૅક્સવેલ ઉપરાંત ઍલેક્સ કૅરી (૧૫), પૅટ કમિન્સ (૪), મિચલ સ્વેપસન (૨) અને મૅથ્યુ કુહનેમૅન (૧)નો સમાવેશ હતો. મૅક્સવેલ સહિતની ત્રણ વિકેટ મૅન ઑફ ધ મૅચ બનેલા પેસ બોલર ચમિકા કરુણારત્નેએ લીધી હતી. નવા લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ વેલાલાગે તેમ જ ઑફ-સ્પિનર ધનંજય ડિસિલ્વાએ બે-બે વિકેટ અને ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ બે વિકેટ લીધી હતી.
ત્રીજી વન-ડે આવતી કાલે (ભારતીય સમય મુજબ બપોરે ૨.૩૦ વાગ્યાથી) કોલંબોમાં રમાશે.

sports news sports cricket news sri lanka