ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ સ્ક્વૉડને અંતિમ સ્વરૂપ આપ્યું

01 February, 2026 09:45 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

પૅટ કમિન્સ, મૅથ્યુ શૉર્ટ ૧૫ સભ્યોની ટીમમાંથી બહાર

પૅટ કમિન્સ ઇન્જરીને કારણે આગામી T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયો છે

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પોતાની ૧૫ સભ્યોની T20 વર્લ્ડ કપ 2026 સ્ક્વૉડને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. ઑસ્ટ્રેલિયાની મેન્સ ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે, કારણ કે પૅટ કમિન્સ ઇન્જરીને કારણે આગામી T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયો છે. ભારત અને શ્રીલંકાના વર્લ્ડ કપ માટે કાંગારૂઓએ પોતાની ટીમમાંથી ૩૦ વર્ષના જમણા હાથના બૅટર મૅથ્યુ શૉર્ટને આઉટ ઑફ ફૉર્મ હોવાથી ટીમમાંથી બહાર કર્યો છે.

આ બન્ને પ્લેયર્સના સ્થાને ટીમમાં બેન દ્વારશુઇસ અને મૅથ્યુ રેનશૉને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. ૩૧ વર્ષનો બેન દ્વારશસ ડાબા હાથનો મીડિયમ પેસ બોલર છે. તે ઑસ્ટ્રેલિયા માટે ૧૩ T20 મૅચ રમ્યો છે અને કરીઅરમાં ૧૮૬ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. ૨૯ વર્ષનો બૅટર મૅથ્યુ રેનશૉએ હાલમાં પાકિસ્તાન સામે કાંગારૂ ટીમ સામે પહેલી T20 મૅચ રમી હતી, પરંતુ તે ઓવરઑલ ૯૧ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.

થોડા સમય પહેલાં ઇન્જર્ડ થયેલાં જૉશ હેઝલવુડ, ટિમ ડેવિડ અને ગ્લેન મૅક્સવેલે સ્ક્વૉડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથને મિચલ માર્શની આ અંતિમ વર્લ્ડ કપ ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. 

t20 world cup australia pat cummins glenn maxwell cricket news sports sports news