ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે 6 વર્ષ પછી ભારત સામે સિરીઝ જીત્યું

09 February, 2020 09:01 AM IST  |  Auckland

ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે 6 વર્ષ પછી ભારત સામે સિરીઝ જીત્યું

ટર્નિંગ પૉઇન્ટ : સૈનીની વિકેટને સેલિબ્રેટ કરતો કાયલ જેમિસન. સૈનીએ શાનદાર ૪૫ રન ફટકાર્યા હતા.

ગપ્ટિલ અને ટેલરે પાયાની ઇનિંગ રમીને ટીમના સ્કોરને પહોંચાડ્યો ૨૫૦ની પાર : ભારતનો ટૉપ-ઑર્ડર ફેલ : જાડેજા અને સૈનીએ સારી લડત આપી હોવા છતાં મૅચ અને સિરીઝ ગુમાવી ભારતે : વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ ઇન્ડિયા પહેલી વન-ડે સિરીઝ હારી : કાયલ જેમિસન ડેબ્યુ વન-ડેમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.

ઇન્ડિયા સામે બીજી વન-ડે જીતવાની સાથે ન્યુ ઝીલૅન્ડે સિરીઝ પણ ૨-૦થી જીતી લીધી છે. આ જીત સાથે ન્યુ ઝીલૅન્ડ ઘરઆંગણે ભારત સામે ૬ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું છે. જોકે સિરીઝમાંની છેલ્લી મૅચ ૧૧ ફેબ્રુઆરીએ રમાશે, જેમાં વિરાટસેના વાઇટવૉશથી બચવાનો પ્રયાસ કરશે. વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ ભારતે પહેલી વન-ડે સિરીઝ ગુમાવી છે.

ભારતે ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુ ઝીલૅન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી અને એણે પહેલી વિકેટ માટે ૯૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ઓપનર અને અનુભવી પ્લેયર માર્ટિન ગપ્ટિલે પોતાની વિકેટ સંભાળી રાખી હતી અને તે ૭૯ રન બનાવીને રનઆઉટ થયો હતો. હેન્રી નિકોલસ ૪૧ રને આઉટ થયો હતો. ભારતના બોલિંગ-અટૅક સામે ૧૯૭ રનમાં આઠ વિકેટ ગુમાવી દેનાર ન્યુ ઝીલૅન્ડની ટીમ જલદી પૅવિલિયનભેગી થઈ જશે એવી આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા હતા, પણ રૉસ ટેલરે તેમની આશાઓ પર ફરી પાણી ફેરવી દીધું અને ટીમના સ્કોરને ૨૭૩ સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો. તે ૭૩ રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો. વિકેટની બાબતમાં યુઝવેન્દ્ર ચહલ સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે ૧૦ ઓવરમાં ૫૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

૨૭૪ રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા ઊતરેલી ઇન્ડિયન ટીમની શરૂઆત ન્યુ ઝીલૅન્ડ કરતાં નબળી રહી હતી. જોકે ઇનિંગમાં શરૂઆતના બે બૉલમાં પૃથ્વી શૉએ બે ચોગ્ગા મારીને જીતની આશા જગાવી હતી, પણ ૯૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેનાર વિરાટસેનાની હાર લગભગ નક્કી થઈ ગઈ હતી. મયંક, કોહલી, રાહુલ અને કેદાર સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા. શ્રેયસ ઐયર બાવન રનની પારી રમ્યો હતો, જ્યારે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ૫૫ રન મારી મૅચને છેલ્લે સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો. જાડેજા સાથે નવદીપ સૈનીની પાર્ટનરશિપ સૌથી વખાણવાલાયક રહી હતી. સૈનીએ ૪૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા મારીને ૪૫ રન કર્યા હતા. આ બન્ને પ્લેયરોની ગેમ જોઈને ટીમ ઇન્ડિયાની મૅચ જીતવાની આશા થોડા ઘણા અંશે જાગી હતી, પણ સૈનીની વિકેટ પડતાં ટીમે બાકીની બે વિકેટ જલદી ગુમાવી દીધી હતી. વિરાટસેના ૨૫૧માં ઑલઆઉટ થઈ ગઈ હતી. કાયલ જેમિસન તેની ડેબ્યુ વન-ડેમાં જ પ્લેયર ઑફ ધ મૅચ રહ્યો હતો. તેણે બે વિકેટ લેવા ઉપરાંત ૨૫ રન બનાવ્યા હતા.
સિરીઝની અંતિમ મૅચ ૧૧ ફેબ્રુઆરીએ માઉન્ટ મૌનગાનુઇ ખાતે રમાશે.

india new zealand virat kohli cricket news sports news