ભારત-પાકિસ્તાન વચ્ચે ૪૪ દિવસમાં ૪ મૅચ

20 July, 2023 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયા કપના લીગ રાઉન્ડ પછી સુપર-ફોરમાં તેમ જ સેમી ફાઇનલ કે ફાઇનલમાં પણ ટક્કર થઈ શકે : ૧૫ ઑક્ટોબરે વર્લ્ડ કપમાં તો હાઈ-વૉલ્ટેજ મુકાબલો નક્કી થયો જ છે

રોહિત શર્મા, બાબર આઝમ

એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટ આગામી ૩૦ ઑગસ્ટે શરૂ થશે, પરંતુ એમાં ભારતની પહેલી ટક્કર ૨ સપ્ટેમ્બરે કૅન્ડીમાં પાકિસ્તાન સાથે થશે. બન્ને ટીમ એક જ ગ્રુપમાં છે અને જો બન્ને ટીમ સુપર-ફોર રાઉન્ડમાં જશે તો એમની વચ્ચે ફરી ૧૦ સપ્ટેમ્બરે કોલંબોમાં મુકાબલો થશે. આ જ બે કટ્ટર દેશની ટીમ સેમી ફાઇનલમાં કે ફાઇનલમાં પણ સામસામે આવી શકે એમ છે. એ જોતાં એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મુકાબલા જોવા મળી શકે. પાંચમી ઑક્ટોબરે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ શરૂ થશે, જેમાં ૧૫ ઑક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન ટક્કર નક્કી થઈ ગઈ છે. આમ ૪૪ દિવસના સમયગાળામાં બન્ને દેશો વચ્ચે કુલ ચાર મુકાબલા થઈ શકે એમ છે.

મુલતાન-લાહોરને મળી માત્ર ૪ મૅચ
ગઈ કાલે જાહેર થયેલા એશિયા કપના શેડ્યુલ મુજબ આ સ્પર્ધા એક દિવસ વહેલી (૩૦ ઑગસ્ટે) શરૂ થશે. એશિયા કપ મૂળ તો પાકિસ્તાનમાં જ યોજાવાનો હતો, પણ ભારતે પોતાની ટીમ પાકિસ્તાનમાં મોકલવાની ચોખ્ખી ના પાડી દેતાં શ્રીલંકા તરીકે ન્યુટ્રલ દેશ નક્કી થયો છે. પાકિસ્તાનમાં મુલતાન અને લાહોરમાં ફક્ત ચાર મૅચ રમાશે. ૧૭ સપ્ટેમ્બરનો ફાઇનલ મુકાબલો કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે.

ગ્રુપ અને ફૉર્મેટ પર નજર
કુલ ૧૩ મૅચવાળી આ સ્પર્ધામાં ભારત-પાકિસ્તાનના ગ્રુપ ‘એ’માં નેપાલ પણ છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન છે. બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સુપર-ફોર રાઉન્ડમાં જશે અને એ રાઉન્ડની બે બેસ્ટ ટીમ ફાઇનલમાં રમશે. ફર્સ્ટ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન પૉઇન્ટ્સ-ટેબલમાં ભલે ગમે એ સ્થાને હશે, તેઓ સુપર-ફોર માટે ક્વૉલિફાય થશે તો પાકિસ્તાન એ-વન જ રહેશે અને ભારત એ-ટુ જ રહેશે. એ જ પ્રમાણે, શ્રીલંકા બી-વન જ રહેશે, જ્યારે બંગલાદેશ બી-ટૂ જ રહેશે. જો નેપાલ અને અફઘાનિસ્તાન સુપર-ફોર રાઉન્ડ માટે ક્વૉલિફાય થશે તો તેઓ પોતપોતાના ગ્રુપમાંથી આઉટ થનારી ટીમનું સ્થાન લેશે.

નેપાલ સિવાયના બાકીના પાંચેય દેશ માટે એશિયા કપ ઑક્ટોબરના વર્લ્ડ કપના રિહર્સલ જેવો બની રહેશે.

એશિયા કપનું શેડ્યુલ

તારીખ/વાર

હરીફ દેશો

સ્થળ

૩૦ ઑગસ્ટ/બુધવાર

પાકિસ્તાન-નેપાલ

મુલતાન

૩૧ ઑગસ્ટ/ગુરુવાર

શ્રીલંકા-બંગલાદેશ

કૅન્ડી

૨ સપ્ટેમ્બર/શનિવાર

ભારત-પાકિસ્તાન

કૅન્ડી

૩ સપ્ટેમ્બર/રવિવાર

બંગલાદેશ-અફઘાનિસ્તાન

લાહોર

૪ સપ્ટેમ્બર/સોમવાર

ભારત-નેપાલ

કૅન્ડી

૫ સપ્ટેમ્બર/મંગળવાર

શ્રીલંકા-અફઘાનિસ્તાન

લાહોર

 

સુપર-ફોર રાઉન્ડ

૬ સપ્ટેમ્બર/બુધવાર

એ-વન v/s બી-ટૂ

લાહોર

૯ સપ્ટેમ્બર/શનિવાર

બી-વન v/s બી-ટૂ

કોલંબો

૧૦ સપ્ટેમ્બર/રવિવાર

એ-વન v/s એ-ટૂ

 

૧૨ સપ્ટેમ્બર/મંગળવાર

એ-ટૂ v/s બી-વન

કોલંબો

૧૪ સપ્ટેમ્બર/ગુરુવાર

એ-વન v/s બી-વન

કોલંબો

૧૫ સપ્ટેમ્બર/શુક્રવાર

એ-ટુ v/s બી-ટુ

કોલંબો

૧૭ સપ્ટેમ્બર/રવિવાર

ફાઇનલ

કોલંબો

નોંધ ફાઇનલ માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. 

india pakistan asia cup world cup cricket news sports sports news