23 September, 2025 08:47 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
મૅચ બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ
ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટના મેદાનની બહાર ફરી એક વાર પાકિસ્તાનનું નામ લીધા વગર એની આબરૂ કાઢી છે. T20 એશિયા કપમાં પાકિસ્તાનને ભારત સામે ગ્રુપ-સ્ટેજમાં ૭ વિકેટ બાદ સુપર ફોર રાઉન્ડમાં ૬ વિકેટે હાર મળી. બૅક-ટુ-બૅક જીત સાથે ભારતીય ટીમે આ કટ્ટર હરીફ સામેની ૧૫ T20 મૅચમાં પોતાનો રેકૉર્ડ ૧૨-૩થી સુધાર્યો હતો.
મૅચ બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં બન્ને ટીમ વચ્ચેના તફાવતના સવાલ પર સૂર્યકુમારે પાકિસ્તાન પર જબરદસ્ત પ્રહાર કરતાં કહ્યું કે ‘મને લાગે છે કે તમારે રાઇવલરી પર પ્રશ્ન ઉઠાવવાનું બંધ કરવું જોઈએ. હવે રાઇવલરી શું છે? જો બે ટીમ ૧૫ મૅચ રમી હોય અને એમનો રેકૉર્ડ ૮-૭ હોય તો એ સારું ક્રિકેટ અને રાઇવલરી કહેવાય. આ ટીમ સામે રેકૉર્ડ ૧૩-૧ અથવા ૧૦-૧ છે, હું ચોક્કસ આંકડા જાણતો નથી. એના જેવું જે કંઈક છે તો કોઈ સ્પર્ધા જ નથી.’
તે રોબોટ નથી : ફ્લૉપ-શો પછી બુમારાહનો બચાવ કર્યો સૂર્યાએ
પાકિસ્તાન સામે રવિવારે ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાવરપ્લેની ત્રણ ઓવરમાં ૩૪ રન આપી દીધા હતા જે તેની T20 કરીઅરનો સૌથી મોંઘો પાવરપ્લે સ્પેલ બન્યો હતો. તેણે વિકેટ લીધા વગર ચાર ઓવરમાં ૪૫ રન આપ્યા હતા. મૅચ બાદ તેનો બચાવ કરતાં કૅપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે ‘ઠીક છે, તે રોબો નથી. તેનો પણ કોઈક વખત ખરાબ દિવસ આવે છે.’