રવિવારે ફરી ભારત vs પાકિસ્તાન

26 September, 2025 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયા કપની ફાઇનલમાં પહેલવહેલી વાર ટકરાશે આ કટ્ટર હરીફો : કરો યા મરો મૅચમાં બંગલાદેશ સામે ૧૩૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને પાકિસ્તાન ૧૧ રને જીત્યું

૧૧ વખત ફાઇનલ રમનાર ભારત ૨૮ સપ્ટેમ્બરે પહેલી જ વખત એશિયા કપની ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે

દુબઈમાં ગઈ કાલે બંગલાદેશને ૧૧ રને હરાવીને પાકિસ્તાન T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યું હતું. પાકિસ્તાને ૮ વિકેટ ગુમાવીને માંડ-માંડ ૧૩૫ રન કર્યા હતા. સરળ ટાર્ગેટના જવાબમાં બંગલાદેશ નવ વિકેટે ૧૨૪ રન કરી શક્યું હતું. પાકિસ્તાન છઠ્ઠી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ૧૧ વખત ફાઇનલ રમનાર ભારત ૨૮ સપ્ટેમ્બરે પહેલી જ વખત એશિયા કપની ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.

પાકિસ્તાને વર્તમાન ટુર્નામેન્ટનો પાવરપ્લેનો પોતાનો લોએસ્ટ સ્કોર ૨૭-૨ અને પહેલી ૧૦ ઓવરનો લોએસ્ટ સ્કોર ૪૭-૪ આ મૅચમાં નોંધાવ્યો હતો. પાકિસ્તાન માટે વિકેટકીપર-બૅટર મોહમ્મદ હારિસે બે ફોર અને એક સિક્સ ફટકારીને ૨૩ બૉલમાં ૩૧ રન કર્યા હતા. બોલિંગ ઑલરાઉન્ડર મોહમ્મદ નવાઝે ૧૬૬.૬૭ના સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરતાં એક ફોર અને બે સિક્સની મદદથી ૧૫ બૉલમાં ૨૫ રન કર્યા હતા. બંગલાદેશનો ફાસ્ટ બોલર તસ્કીન અહમદ ૨૮ રનમાં ૩ વિકેટ લઈને સૌથી પ્રભાવશાળી રહ્યો હતો, જ્યારે સ્પિનર મહેદી હસન અને રિશાદ હુસૈને પણ બે-બે વિકેટ ઝડપી હતી.

બંગલાદેશ માટે છઠ્ઠા ક્રમે રમી રહેલા બૅટિંગ ઑલરાઉન્ડર શમીમ હુસૈને બે સિક્સની મદદથી ૨૫ બૉલમાં ૩૦ રન કર્યા હતા. ૧૨૦ના સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરનાર આ બૅટર જ ટીમ માટે ૨૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યો હતો. પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ૧૭ રન આપીને ૩ વિકેટ અને હારિસ રઉફે ૩૩ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

t20 asia cup 2025 asia cup india pakistan bangladesh indian cricket team team india cricket news sports sports news