ફાસ્ટ બોલર્સ જોશ હેઝલવુડ અને માર્ક વુડ ઇન્જરીને કારણે ઍશિઝ સિરીઝમાંથી આઉટ

10 December, 2025 10:04 AM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

કાંગારૂ ટીમનો રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સ પીઠની ઇન્જરીમાંથી સ્વસ્થ થયો હોવાથી ઍડીલેડ ટેસ્ટ-મૅચથી ટીમમાં વાપસી કરશે

જોશ હેઝલવુડ, માર્ક વુડ

ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં સિરીઝની બાકીની ૩ મૅચ માટે બન્ને ટીમને મોટો ફટકો પડ્યો છે. ઑસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ અને ઇંગ્લૅન્ડનો માર્ક વુડ આ બન્ને સ્ટાર ફાસ્ટ બોલર ઇન્જરીને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

૨-૦થી આગળ યજમાન ઑસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડ પહેલી બે ટેસ્ટ-મૅચ માટે પણ ફિટ થઈ શક્યો નહોતો. તેને હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી ફિટ થવા દરમ્યાન પગના તળિયા પાસે પણ ઇન્જરી થઈ હોવાથી તે વાપસી કરી શક્યો નથી. માર્ક વુડ પર્થ ટેસ્ટ-મૅચ દરમ્યાન બાદ બ્રિસબેન ટેસ્ટ-મૅચમાંથી બહાર થયો હતો, તે ઘૂંટણની ઇન્જરીથી પીડાઈ રહ્યો છે. 

પૅટ કમિન્સ પીઠની ઇન્જરીમાંથી ફિટ થયો

કાંગારૂ ટીમનો રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન પૅટ કમિન્સ પીઠની ઇન્જરીમાંથી સ્વસ્થ થયો હોવાથી ઍડીલેડ ટેસ્ટ-મૅચથી ટીમમાં વાપસી કરશે. પહેલી બે મૅચમાં તેના સ્થાને સ્ટીવ સ્મિથે સ્ટૅન્ડ-ઇન કૅપ્ટનની ભૂમિકા ભજવી હતી. અહેવાલ અનુસાર માઇકલ નેસર અને બ્રેન્ડન ડૉગેટ જેવા ફાસ્ટ બોલરને છેલ્લી બે ટેસ્ટ-મૅચ પહેલાં આરામ આપીને ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર પૅટ કમિન્સ અને સ્પિનર નૅથન લાયનને સ્થાન આપવામાં આવશે.

ઍશિઝની વચ્ચે અંગ્રેજ ટીમ હૉલિડે એન્જૉય કરશે

ઍડીલેડમાં આયોજિત ઍશિઝ ટેસ્ટ-સિરીઝની ત્રીજી મૅચ પહેલાં ઇંગ્લૅન્ડના પ્લેયર્સે એક્સ્ટ્રા પ્રૅક્ટિસ કરવાનું ટાળીને હૉલિડે એન્જૉય કરવાનું નક્કી કર્યું છે. ઍડીલેડમાં ૧૭ ડિસેમ્બરે આયોજિત ટેસ્ટ-મૅચ માટે આખી ટીમ રવિવારથી મંગળવાર એમ ૩ દિવસ પ્રૅક્ટિસ કરશે. એ પહેલાં આખી ટીમે ઑસ્ટ્રેલિયાના ​ક્વીન્સલૅન્ડમાં આવેલા નોસા રિસૉર્ટ અને સનશાઇન કોસ્ટ પર જવાનું નક્કી કર્યું છે. 

ashes test series australia england cricket news sports sports news test cricket