છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ ઉસ્માન ખ્વાજા અને લોકલ બૉય ઍલેક્સ કૅરીએ કાંગારૂઓને ઉગાર્યા

18 December, 2025 10:42 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

૯૪ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ કમબૅક કરતાં યજમાનોએ પ્રથમ દિવસે બનાવ્યા ૮ વિકેટે ૩૨૬ રન : IPL આ‌ૅક્શનમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનનાર ગ્રીન ખાતું પણ ન ખોલાવી શક્યો

ઉસ્માન ખ્વાજાએ ૮૨ રન ફટકાર્યા હતા

ઍડીલેડમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ઍશિઝની ચોથી મૅચ શરૂ થઈ હતી. આ મૅચ પહેલાં પ્રથમ ૩ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટન સ્ટીવન સ્મિથને લગતો ડ્રામા થયો હતો અને મૅચમાં ખરાબ શૉટ્સને લીધે તેમણે એક સમયે ૯૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ છેલ્લી ઘડીએ સ્મિથના સ્થાને ટીમમાં સામેલ થયેલા ઉસ્માન ખ્વાજાના ૮૨ અને વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીની સેન્ચુરીના જોરે ઑસ્ટ્રેલિયાએ દિવસના અંતે ૮ વિકેટે ૩૨૬ રન બનાવીને કમબૅક કરી લીધું હતું. ઇંગ્લૅન્ડ વતી જોફ્રા આર્ચરે ૩ અને બ્રાયડન કાર્સ અને વિલ જૅક્સે બે-બે વિકેટ લીધી હતી.

ઇન્જરીમુક્ત થયા બાદ ટીમમાં કમબૅક કરી રહેલા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને પ્રથમ બૅ​ટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બન્ને ઓપનરો ટ્રૅવિસ હેડ અને જૅક વેધરલ્ડ ૩૩ રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. માર્નસ લબુશેન (૧૯ રન) અને કૅમરન ગ્રીનને ખાતું ખોલાવ્યા ​વિના જોફ્રા આર્ચરે એક જ ઓવરમાં આઉટ કરી દેતાં ઑસ્ટ્રેલિયાએ ૯૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ઉસ્માન ખ્વાજા (૮૨ રન) અને ઍલેક્સ કૅરી (૧૦૬ રન)એ પાંચમી વિકેટ માટે ૯૧ રનની પાર્ટનરશિપ સાથે ટીમની વહારે આવ્યા હતા. કૅપ્ટન પૅટ કમિન્સ ૧૩ રન જ બનાવી શક્યો હતો, પરંતુ સિરીઝનો હીરો મિચલ સ્ટાર્ક તેનું બૅટિંગ ફૉર્મ જાળવી રાખતાં અણનમ ૩૩ રન સાથે ટીમને ૩૦૦ પ્લસના સ્કોર સુધી લઈ ગયો હતો.

છેલ્લી ઘડીએ સ્મિથ આઉટ, ખ્વાજા ઇન

ઑસ્ટ્રેલિયાએ બે દિવસ પહેલાં જાહેર કરેલી પ્લેઇંગ ઇલેવનમાં ઉસ્માન ખ્વાજાનો સમાવેશ નહોતો કર્યો હતો. ત્રીજી ટેસ્ટમાં બીમાર પડેલા સ્થિમ ચોથી ટેસ્ટ પહેલાં ફિટ થઈ જશે એવી આશા ઑસ્ટ્રેલિયન મૅનેજમેન્ટને હતી, પણ એવું ન થતાં ટૉસના થોડા સમય પહેલાં સુધી તેને ચક્કર અને ઉબકા આવતાં છેલ્લી ઘડીએ ઉસ્માન ખ્વાજાને ટીમમાં સામેલ કરવો પડ્યો હતો.

હોમગ્રાઉન્ડમાં કૅરીની ઇમોશનલ સેન્ચુરી

મુશ્કેલ સ્થિતિમાં ૧૪૩ બૉલમાં એક સિક્સર અને ૮ ફોર સાથે ૧૦૬ રનની અફલાતૂન ઇનિંગ્સ સાથે વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીએ ટીમને ઉગારવા ઉપરાંત તેના હોમગ્રાઉન્ડમાં હાજર રેકૉર્ડબ્રેક ૫૬,૨૯૮ ચાહકોને ખુશ કરી દીધા હતા. મૅચ બાદ કૅરી ઇનોશનલ થઈ ગયો હતો અને તેની આ સેન્ચુરીને ઘરઆંગણાના ચાહકો અને ફૅમિલી-મૅમ્બરની હાજરીને લીધે સ્પેશ્યલ ગણાવી હતી

કાળી પટ્ટી અને શ્રદ્ધાંજલિ

રવિવારે સિડનીના બૉન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્ય પામનાર ૧૫ અને ઘાયલ થયેલા અનેક લોકો માટે બન્ને ટીમ હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઊતરી હતી. મેદાનમાં ઝંડાઓને પણ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યા હતા અને મૅચ શરૂ થતાં પહેલાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગ્રીન મંગળવારે હીરો, બુધવારે ઝીરો

મંગળવારે IPL મિની ઑક્શનમાં ૨૫.૫૦ કરોડ રૂપિયા મેળવીને સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનીને છવાઈ જનાર કૅમરન ગ્રીન ગઈ કાલે બીજા જ બૉલે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ‍ ગયો હતો. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં તેની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને ટાર્ગેટ કરીને કમેન્ટો થઈ હતી કે ડૂબી ગયા તમારા ૨૫.૫૦ કરોડ. 

ashes test series england australia test cricket cricket news sports sports news