02 July, 2023 03:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલની રમતમાં સૌથી વધુ ચર્ચા ઈજાગ્રસ્ત નૅથન લાયનની થઈ હતી
લૉર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની આજે કસોટી થશે, કારણ કે ચોથી ઇનિંગ્સમાં કોઈ પણ ટીમ ૩૭૧ રનનો લક્ષ્યાંકન આંબી શકી નથી. ઇંગ્લૅન્ડની શરૂઆત સારી નથી રહી. ઓપનર ઝૅક ક્રૉવ્લી અને ઓલી પોપની વિકેટ મિચેલ સ્ટાર્કે ઝડપીને ટીમને આંચકો આપ્યો છે. ઇંગ્લૅન્ડે ૧૭ ઓવરમાં ૫૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ૧૨ મહિના પહેલાં ઇંગ્લૅન્ડે એજબૅસ્ટનમાં રમાયેલી મૅચમાં ૩૭૮ રન કર્યા હતા. આવા જ ચમત્કાની આશા ઇંગ્લૅન્ડના દર્શકો રાખશે. ગઈ કાલની રમતમાં સૌથી વધુ ચર્ચા ઈજાગ્રસ્ત નૅથન લાયનની થઈ હતી. ગુરુવારે ઈજા થઈ હોવા છતાં તે રમવા આવ્યો હતો અને ૪ રન કરીને આઉટ થયો હતો. એમ થતાં એણે ઑસ્ટ્રેલિયાની ટીમ માટે ૧૫ રનનો ઉમેરો કર્યો હતો. ઑસ્ટ્રેલિયાને આજે એક સ્પિનરની ખોટ જરૂર વર્તાશે.
ગુરુવારના બે વિકેટના ૧૩૦ રનના સ્કોર બાદ ઑસ્ટ્રેલિયન બૅટર્સ વધુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની વિકેટ સવારના સેશનમાં જ ગુમાવી દીધી હતી. કૅમરન ગ્રીન અને ઍલેક્સ કૅરીએ બહુ ડિફેન્સિવ રમવાનો પ્રયાસ કર્યો હતો.
લૉર્ડ્સમાં ચાલી રહેલી મૅચ જોવા આવેલા વડા પ્રધાન રિશી સુનક
ઇંગ્લૅન્ડના ભારતીય મૂળના વડા પ્રધાન રિશી સુનક પણ લૉર્ડ્સમાં ચાલી રહેલી મૅચ જોવા આવ્યા હતા અને ઇંગ્લૅન્ડના બોલરોએ વિકેટ લેતાં ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા.