17 December, 2021 02:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍડીલેડ ટેસ્ટમાં આઉટ થયા બાદ પૅવિલિયન જઈ રહેલો ડેવિડ વૉર્નર
ઍડીલેડ ટેસ્ટના પહેલા દિવસે છેલ્લી ઘડીએ કોરોના વાઇરસની ચિંતાને કારણે નવા કૅપ્ટન પૅટ કમિન્સે પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ રમાયેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે રમતના અંતે ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે બે વિકેટે ૨૨૧ રન બનાવ્યા હતા. બે વખત જીવતદાન મેળવનાર માર્નસ લબુશેન ૯૫ રને નૉટઆઉટ હતો. તેણે ડેવિડ વૉર્નર સાથે ૯૫ રનની અને ત્યાર બાદ સ્ટીવ સ્મિથ સાથે ૪૫ રનની પાર્ટનરશિપ કરી હતી.
સ્મિથ ફરી કૅપ્ટન
૨૦૧૮ના સૅન્ડપેપર કૌભાંડ બાદ સ્મિથે ફરી પાછી ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન્સી સંભાળી હતી. મૅચ પહેલાં કમિન્સ એક કોરોના-વાઇરસ પેશન્ટના સંપર્કમાં આવતાં તેણે છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. સ્મિથે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. તેણે નૉટઆઉટ ૧૮ રન ફટકાર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમમાં જિમી ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડ જેવા બોલરોના આગમન છતાં ઑસ્ટ્રેલિયાએ આખા દિવસમાં માત્ર બે વિકેટ ગુમાવી હતી.
લબુશેનને બે જીવતદાન
મૅચ શરૂ થયાના પહેલા કલાકમાં જ વિકેટકીપર જૉસ બટલરે ઓપનર માર્ક્સ હૅરિસ(૩)નો શાનદાર ડાઇવિંગ કૅચ પકડ્યો હતો, પણ ત્યાર બાદ બે વખત લબુશેનનો કૅચ છોડ્યો હતો. લબુશેને ૬ કલાકની રમત દરમ્યાન ૨૭૫ બૉલનો સામનો કર્યો હતો. વૉર્નર પહેલો રન કરવા માટે ૨૦ બૉલ રમ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પહેલા સેશનમાં ૨૫ ઓવરમાં માત્ર ૧ વિકેટે ૫૪ રન કર્યા હતા. ત્યાર બાદ બીજા સેશનમાં ૨૮ ઓવરમાં ૮૪ રન કર્યા હતા.
વૉર્નર સદી ચૂક્યો
આખા દિવસ દરમ્યાન શાનદાર રમત રમી રહેલો વૉર્નર બેન સ્ટોક્સે નાખેલા વાઇડ બૉલને ફટકારવા જતાં કવર પર બ્રૉડના હાથમાં કૅચઆઉટ થયો હતો. પરિણામે તેની ૯૫ રનની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. સ્ટોક્સને આમ પોતાની મહેનતનું ફળ મળ્યું હતું. જોકે ૩૫મી ઓવરમાં લબુશેનનો એક કૅચ વિકેટકીપર બટલર પકડી શક્યો નહોતો.
છેલ્લી ઘડીએ કૅપ્ટન બદલાયો
મૅચ કરતાં પણ વધુ નાટક મૅચ પહેલાં ભજવાયું હતું. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ટૉસના ત્રણ કલાક પહેલાં જાહેર કર્યું હતું કે કમિન્સ આ મૅચમાં કૅપ્ટન્સી નહીં કરે, કારણ કે બુધવારે રાતે ઍડીલેડની એક રેસ્ટોરાંમાં તે ડિનર માટે ગયો હતો અને જેની સાથે તેણે ડિનર કર્યું હતું તે કોરોના-પૉઝિટિવ હતો. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ જેકોઈ કોવિડ-સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તેણે ૭ દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવું જરૂરી છે. જોકે કમિન્સની કોવિડ-ટેસ્ટ નેગેટિવ આવી હતી. આમ છેલ્લી ત્રણ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ત્રણ કૅપ્ટન જોવા મળ્યા.