અરવલ્લીઃ ટેલેન્ટ છે પણ ટેકો નથી, રેસ વોકિંગના ખેલાડી છે નિઃસહાય

28 December, 2018 12:48 PM IST  | 

અરવલ્લીઃ ટેલેન્ટ છે પણ ટેકો નથી, રેસ વોકિંગના ખેલાડી છે નિઃસહાય

હાઈવે પર પ્રેક્ટિસ કરે છે બાબુભાઈ

જ્યારે જ્યારે ઓલિમ્પિક આવે કે એશિયાડ રમાય ત્યારે ત્યારે દેશભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની ચર્ચા શરૂ થઈ જાય છે, પરંતુ જેવો આ રમતોત્વસનો કેફ ઉતરે કે ચર્ચા કરનાર લોકો પોતપોતાના કામમાં મશગૂલ થઈ જાય અને ખેલાડીઓ ફરી એ જ મુશ્કેલીઓ સાથે મહેનત કરવા મજબૂર થઈ જાય છે. ગુજરાતમાં ભલે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓ કરીને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના દાવા કરતી હોય પરંતુ હકીકત કંઈક જુદી જ દેખાય છે. ફરી એક વખત એક એવા રમતવીરનો કિસ્સો સામે આવ્યો છે જેની પાસે ટેલેન્ટ છે પરંતુ ટેકો નથી.

વાત છે અરવલ્લી જિલ્લાના નિવૃત્ત આર્મી મેનબાબુભાઈ પણુચાની. બાબુભાઈ પણુચા ઓલિમ્પિક 2020 માટે રેસ વોકિંગ ગેમની તૈયારી કરી રહ્યા છે. બાબુભાઈની મુશ્કેલીની વાત કરીએ એ પહેલા જાણી લઈએ કે તેઓ શું સિદ્ધિ મેળવી ચૂક્યા છે. બાબુભાઈ પણુચા 20 કિલોમીટર રેસ વોકિંગ સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ ધરાવે છે.

2007માં હૈદરબાદમાં યોજાયેલી 50 કિલોમીટરની રેસ વોકિંગ સ્પર્ધામાં પણ બાબુભાઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યા છે. જો કે આ બાદ તેમને કમળાની બીમારી લાગુ પડી અને રમત છૂટી ગઈ. જો કે બીમારીમાંથી ઉભા થઈને બાબુભાઈએ ફરી મેદાન પર પગ મૂક્યો. તનતોડ પ્રેક્ટિસ બાદ કોલકાતા ખાતે યોજાયેલી નેશનલ કોમ્પટિશનમાં 20 કિલોમીટર રેસમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો સાથે જ રેસ વોકિંગની ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું. તો ભોપાલમાં યોજાયેલી સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ૨૦ કિલોમીટર રેસમાં પણ બાબુભાઈ નેશનલ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જમશેદપુરમાં લંડન ઓલિમ્યોપિક માટે જાયેલા કેમ્પમાં પહેલા રાઉન્ડમાં ક્વોલિફાય થયા બાદ બાબુભાઈ લંડન ખાતે ત્રણ મહિના તાલીમ લઈ ચૂક્યા છે. જો કે તેઓ ઓલિમ્પિક સિલેક્શનના સેકન્ડ રાઉન્ડમાં સિલેક્ટ નહોતા થયા. જો કે હિંમત હાર્યા વિના બાબુભાઈ 2020માં ટોક્યોમાં રમાનારા ઓલિમ્પિકમાં સિલેક્ટ થવા આકરી મહેનત કરી રહ્યા છે. પરંતુ મુશ્કેલી એ છે કે તેમની પાસે પૂરતી સુવિધાઓ નથી.


મુશ્કેલી એ છે કે બાબુભાઈ પાસે પ્રેક્ટિસ માટે પુરતી સુવિધા નથી. ગ્રાઉન્ડ ન હોવાને કારણે બાબુભાઈ જીવના જોખમે હાઈ વેની કિનારી પર દોડીને પ્રેક્ટિસ કરે છે. તો દોડવા માટે જરૂરી સ્પેશિયલ બૂટ પણ બાબુભાઈ પાસે નથી. ખેલ મહાકુંભ પાછળ ખર્ચા કરતી સરકારના નિંદ્રાધીન અધિકારીઓનું ધ્યાન હજી સુધી ગુજરાતમાં પાંગરી રહેલી આ ટેલેન્ટ પર ગયું જ નથી. જો કે આ તમામ મર્યાદાઓ વચ્ચે પણ બાબુભાઈ હિંમત હાર્યા વિના માત્ર પોતાની ક્ષમતા પર દેશને ગૌરવ અપાવવા મહેનત કરી રહ્યા છે.

gujarat