12 February, 2025 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન રણતુંગા
વન-ડે વર્લ્ડ કપ ૧૯૯૬ની વિજેતા ટીમ શ્રીલંકાના કૅપ્ટન અર્જુન રણતુંગાએ હાલમાં ભારત અને શ્રીલંકાની ટીમ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ૬૧ વર્ષના આ ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન ભારતની ટેસ્ટ-ટીમની નબળી બૅટિંગ લાઇન-અપ વિશે વાત કરતાં કહે છે, ‘ચામિન્ડા વાસ અને મુથૈયા મુરલીધરન જેવા બોલરો સાથે મારી ટીમ ફક્ત ત્રણ દિવસમાં ભારતની વર્તમાન ટીમને હરાવી શકી હોત. હાલની શ્રીલંકાની ટીમમાં પણ પ્રતિભાની કોઈ કમી નથી, પણ અમારી ૧૯૯૬ની ટીમ ખૂબ જ પ્રતિભાશાળી ટીમ હતી. વાસ્તવિક સમસ્યા શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં છે. બોર્ડનું સંચાલન ભ્રષ્ટ છે જે બધી સમસ્યાનું મૂળ છે.’
વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શું કહ્યું?
૧૯૮૨થી ૨૦૦૦ સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર શ્રીલંકાના આ ક્રિકેટરે ભારતીય સ્ટાર વિરાટ કોહલીના ભવિષ્ય વિશેના સવાલ પર કહ્યું કે ‘કોહલી જેવા પ્લેયર માટે, જેણે આટલા બધા રન બનાવ્યા છે, તેણે તેના ભવિષ્યનો નિર્ણય પોતે જ લેવાનો છે, એથી તેને જ લેવા દો. હંમેશાં તેના પર ધ્યાન કેન્દ્રિત કેમ કરવામાં આવે છે? મને લાગે છે કે તે સંપૂર્ણપણે બિનજરૂરી છે. કોહલીએ સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર કે રાહુલ દ્રવિડ જેવા લોકો સાથે વાત કરવી જોઈએ. તેઓ ચોક્કસપણે તેને મદદ કરી શકે છે.’