મેગા ઑક્શનમાં મજબૂત બોલિંગ આક્રમણ પસંદ કરવું એ ટાઇટલ જીતવા તરફનું પહેલું મોટું પગલું હતું

05 June, 2025 10:25 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

હેડ કોચ તરીકે પહેલી વાર IPL ટાઇટલ જીતનાર ઍન્ડી ફ્લાવર કહે છે...

મેન્ટર દિનેશ કાર્તિક અને અન્ય કોચિંગ સ્ટાફ સાથે ટ્રોફી ઉપાડી હેડ કોચ ઍન્ડી ફ્લાવરે.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડી ફ્લાવરે હેડ કોચ તરીકે IPLમાં પહેલું ટાઇટલ જીત્યા બાદ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે ‘મેગા ઑક્શન દરમ્યાન અનુભવી પ્લેયર્સ સાથે મજબૂત બોલિંગ આક્રમણ પસંદ કરવું એ અમારી ટીમનું ટાઇટલ જીતવા તરફનું પહેલું મોટું પગલું હતું. મને યાદ છે કે મેગા ઑક્શનના પહેલા દિવસ પછી અમને કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોને લાગ્યું કે અમે પૈસા ખર્ચી રહ્યા નથી. અમારી પાસે બીજા દિવસે ખર્ચ કરવા માટે મોટી રકમ હતી. અમને બીજા દિવસે ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, સુયશ શર્મા અને રોમારિયો શેફર્ડ જેવા પ્લેયર્સ મળ્યા.’

૫૭ વર્ષના હેડ કોચે આગળ ઉમેર્યું, ‘આ સીઝનની સફળતામાં અમારા કોચિંગ સ્ટાફમાં ભારતીય અનુભવ અને જ્ઞાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. ખાસ કરીને દિનેશ કાર્તિકે મેન્ટર અને બૅટિંગ નિષ્ણાત તરીકે ખૂબ સારું કામ કર્યું. પ્લેયરથી કોચ સુધીની સફર સરળ નથી, પણ તેણે એ ખૂબ જ સારી રીતે કર્યું. તેનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ખાસ કરીને બૅટિંગ ગ્રુપ પર તેનો સારો પ્રભાવ પડ્યો.’

ઍન્ડી ફ્લાવરનો કોચિંગ રેકૉર્ડ 

રોમારિયો શેફર્ડ અને ટિમ ડેવિડે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ઍન્ડી ફ્લાવરને ખભા પર ઉપાડી લીધો હતો.

૨૦૧૦માં ઇંગ્લૅન્ડને કોચિંગ આપીને પહેલી વાર T20 ચૅમ્પિયન બનાવનાર ઍન્ડી ફ્લાવર અબુ ધાબી T10, પાકિસ્તાન સુપર લીગ, ધ હન્ડ્રેડ, ઇન્ટરનૅશનલ લીગ T20 જેવી ટુર્નામેન્ટમાં પણ પોતાની ટીમને કોચ તરીકે જિતાડી ચૂક્યો છે. ઍશિઝમાં તે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બન્ને ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ રહીને ટેસ્ટ-સિરીઝ જીતી ચૂક્યો છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં લખનઉ સુપર જાયન્ટ્સના કોચ તરીકે કામ કર્યા બાદ ૨૦૨૪થી બૅન્ગલોરમાં સામેલ થયો હતો.

indian premier league IPL 2025 royal challengers bangalore cricket news dinesh karthik sports news sports