21 July, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૧૬માં ભારત સામે સેમી-ફાઇનલ મૅચ જીતીને આન્દ્રે રસેલ અને વેસ્ટ ઇન્ડીઝના અન્ય પ્લેયર્સે વાનખેડેમાં જોરદાર ઉજવણી કરી હતી.
વેસ્ટ ઇન્ડીઝનો ધુરંધર ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ આ અઠવાડિયે ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝ દરમ્યાન અંતિમ વાર દેશનું પ્રતિનિધિત્વ કરશે. રસેલે અત્યાર સુધી ત્રણેય ફૉર્મેટમાં ૧૪૧ ઇન્ટરનૅશનલ મૅચ રમી છે જેમાંથી તેણે પોતાની બે મહત્ત્વપૂર્ણ ક્ષણ વિશે ખુલાસો કર્યો હતો.
આન્દ્રે રસેલ કહે છે, ‘ચોક્કસપણે મારી શ્રેષ્ઠ ક્ષણ ૨૦૧૬ વર્લ્ડ કપ હતી. ભારત સામેની એ સેમી-ફાઇનલ મૅચ. ભારતમાં એ સેમી-ફાઇનલમાં ૧૯૦થી વધુ રનનો પીછો કરતી વખતે અને દર્શકો ફક્ત ભારતને ટેકો આપી રહ્યા હતા એથી પહેલાંથી જ થોડું દબાણ હતું, પરંતુ વિકેટ ખૂબ સારી હતી એથી ચેન્જિંગ રૂમમાં મેદાન પરથી આવેલા બૅટ્સમેનોના આત્મવિશ્વાસથી મને મેદાન પર જવા અને મારી ભૂમિકા ભજવવાની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ મળ્યો હતો.’
૨૦૧૬ની ૩૧ માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એ મૅચમાં ભારતે બે વિકેટ ગુમાવીને ૧૯૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે કૅરિબિયન ટીમે ૩ વિકેટે ૧૯.૪ ઓવરમાં ૧૯૬ રન ફટકાર્યા હતા. ૨૦ બૉલમાં ૪૩ રનની અણનમ ઇનિંગ્સ રમનાર આન્દ્રે રસેલે અંતિમ ઓવરમાં પાર્ટ-ટાઇમ સ્પિનર વિરાટ કોહલીની ઓવરમાં સિક્સ ફટકારીને મૅચ જિતાડી હતી. આન્દ્રે રસેલે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ માટે ૨૦૧૨ અને ૨૦૧૬માં ચૅમ્પિયન બનીને સવારે જાગીને અનુભવેલી લાગણીને પણ પોતાની કરીઅરની સૌથી પ્રિય યાદગીરી ગણાવી હતી.