07 February, 2025 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍલેક્સ હેલ્સ, ક્રિસ ગેઇલ
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ઍલેક્સ હેલ્સ હાલમાં T20 ફ્રૅન્ચાઇઝી લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. ડેઝર્ટ વાઇપર્સ માટે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20) રમનાર હેલ્સ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર જગતનો બીજો બૅટર બની ગયો છે. આ ટુર્નામેન્ટની ક્વૉલિફાયર-વન મૅચમાં તેની ૬૭ રનની શાનદાર ઇનિંગ્સ છતાં હરીફ ટીમ દુબઈ કૅપિટલ્સ પાંચ વિકેટે જીતવામાં સફળ રહી હતી, પણ હેલ્સે ૧૩,૫૫૮ રનના આંકડા પર પહોંચીને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર કાઇરન પોલાર્ડ (૧૩,૫૩૭ રન) અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિક (૧૩,૪૯૨ રન)ને પછાડ્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર અને ધ યુનિવર્સ બૉસ તરીકે જાણીતો ક્રિસ ગેઇલ ૧૪,૫૬૨ રન સાથે T20નો નંબર વન બૅટર છે. ઍલેક્સ હેલ્સને હવે આ મહા રેકૉર્ડ તોડવા માટે માત્ર ૧૦૦૫ રનની જરૂર છે. અફઘનિસ્તાનના ૨૬ વર્ષના સ્પિનર રાશિદ ખાને જેમ નંબર વન T20 બોલર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોને પછાડ્યો એમ ૩૬ વર્ષનો હેલ્સ નંબર વન T20 બૅટર તરીકે કૅરિબિયન ક્રિકેટરની બાદશાહત ખતમ કરી શકે છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર
ક્રિસ ગેઇલ ૧૪,૫૬૨ રન (૪૫૫ ઇનિંગ્સ)
ઍલેક્સ હેલ્સ ૧૩,૫૫૮ રન (૪૮૮ ઇનિંગ્સ)
કાઇરન પોલાર્ડ ૧૩,૫૩૭ રન (૬૧૭ ઇનિંગ્સ)
શોએબ મલિક ૧૩,૪૯૨ રન (૫૧૦ ઇનિંગ્સ)
ડેવિડ વૉર્નર ૧૨,૯૦૯ રન (૩૯૭ ઇનિંગ્સ)ઐ