વિરાટને બદલે અજિંક્યને કૅપ્ટન બનાવવાની વાતો થઈ રહી છે, પણ...

13 February, 2021 08:03 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

વિરાટને બદલે અજિંક્યને કૅપ્ટન બનાવવાની વાતો થઈ રહી છે, પણ...

તસવીર: પી.ટી.આઇ.

ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની મુશ્કેલ કન્ડિશનમાં ભારતીય ટીમને તેમના જે બૅટ્સમૅન પર સૌથી વધુ ભરોસો હોય છે એમાં અજિંક્ય રહાણેનો પણ સમાવેશ થાય છે અને એ લગભગ દરેક વખતે ટીમ-મૅનેજમેન્ટના ભરોસાને સાર્થક પણ કરી બતાવે છે. મેલબર્ન, લૉર્ડ્સ અને વેલિંગ્ટનની તેની સેન્ચુરી એ ફાસ્ટ, સ્વિંગ અને બાઉન્સી પરિસ્થિતિઓમાં રહાણેની ટેક્નિક કેટલી સૉલિડ છે એ સાબિત કરી દે છે. નવાઈની વાત એ છે કે ઘરઆંગણે જ્યાં મોટા ભાગના બૅટ્સમેનો શેર સાબિત થતા હોય છે ત્યાં રહાણે ઢેર થઈ જાય છે.

ઘરઆંગણે ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કૅપ્ટન મોટા ભાગે સ્ટ્રગલ કરતો જ જોવા મળી રહ્યો છે અને ભારતમાં તેણે રમેલી ૨૮ ટેસ્ટમાં ફક્ત ૧૪૯૪ રન જ બનાવી શક્યો છે. આમ ઘરઆંગણે તેની ઍવરેજ ૩૭.૩૫ છે અને નવાઈની વાત એ છે એના કરતાં તો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની બૅટિંગ ઍવરેજ (૩૮.૯૦) વધુ સારી છે.

૩૭ની આસપાસની ઍવરેજ ખરાબ નથી, પણ અન્ય ભારતીય સ્ટાર વિરાટ કોહલી (૬૭.૪૨), ચેતેશ્વર પુજારા (૫૯.૩૧), રોહિત શર્મા (૭૯), રિષભ પંત (૭૧.૫૦), લોકેશ રાહુલ (૪૪.૨૫)ની સરખામણીમાં ઓછી છે.

રહાણેના ઘરઆંગણે નબળા પર્ફોર્મન્સ માટે તેની સ્પિનરો સામે નબળી ટેક્નિક જવાબદાર છે. ૨૮ ટેસ્ટની ૪૪ ઇનિંગ્સમાં તે ૪૦ વાર આઉટ થયો છે, જેમાં ૨૮ વાર એટલે કે ૭૦ ટકા સ્પિનરોનો શિકાર બન્યો છે.

બીજી નવાઈની વાત એ છે કે ભારતીય ટીમની મજબૂત દીવાલ ચેતેશ્વર પુજારા ટીમમાં સૌથી ધીમું રમે છે, પણ ઘરઆંગણેની વાત કરીએ તો રહાણેનો સ્ટ્રાઇક રેટ પુજારા કરતાં પણ ઓછો છે. પુજારાએ ભારતમાં ૫૦.૫૬ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે, જ્યારે રહાણેનો સ્ટ્રાઇક રેટ ૪૯ની આસપાસ છે.

વિરાટને બદલે રહાણેને ટેસ્ટનો કૅપ્ટન બનાવવાની વાતો થઈ રહી છે, પણ રહાણેનો ઘરઆંગણે નબળો પર્ફોર્મન્સ તેની આડે આવી શકે છે.

sports sports news cricket news test cricket ajinkya rahane ravindra jadeja