અજાઝનો મૂલ્યવાન મૅચ-બૉલ એમસીએના મ્યુઝિયમને ભેટ

07 December, 2021 02:57 PM IST  |  New Delhi | Harit N Joshi

૧૦ વિકેટ લઈને ઇતિહાસમાં ચમકી ગયેલા કિવી સ્પિનરના ઑટોગ્રાફવાળી જર્સી અને યાદગાર સ્કોરશીટની બક્ષિસ પણ મળી

અજાઝના ઑટોગ્રાફવાળી જર્સી અને મૅચ-બૉલ

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ચોથા દિવસે પૂરી થયેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની નિર્ણાયક ટેસ્ટ સંબંધિત ‘આજીવન ખજાનો’ કહી શકાય એવી કેટલીક ચીજો મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ને હાથ લાગી છે. ભારતે ભલે આ ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડને ૩૭૨ રનના વિક્રમજનક માર્જિનથી કચડી નાખ્યું અને સિરીઝ ૧-૦થી જીતી લીધી, પણ આ ટેસ્ટ કિવી લેફ્ટ-આર્મ સ્પિનર અજાઝ પટેલના પ્રથમ દાવના તમામ ૧૦ વિકેટવાળા ઐતિહાસિક પર્ફોર્મન્સ બદલ ખાસ યાદ રહેશે.
એમસીએને અંગત કહી શકાય એવી યાદગાર ચીજો મળી. એમાં અજાઝના ઑટોગ્રાફવાળી જર્સીનો તેમ જ હાથે લખેલી સ્કોરશીટ (જેની એક કૉપી ખુદ આ સ્પિનરને મેમેન્ટો સાથે ભેટ અપાઈ)નો ખાસ સમાવેશ છે. જોકે એ બધામાં મૅચ-બૉલ સૌથી મૂલ્યવાન કહેવાય અને એ બૉલ અજાઝે એમસીએને આગામી મ્યુઝિયમ માટે આપવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે ઑગસ્ટમાં સૌથી પહેલાં ‘મિડ-ડે’એ વાનખેડે સ્ટેડિયમના ૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારના સૂચિત મ્યુઝિયમ વિશેનો અહેવાલ આપ્યો હતો. જોકે એક વર્ષ થઈ ગયું અને પ્રસ્તાવ હજી પ્લાનિંગના તબક્કામાં જ છે. અત્યાર સુધી માત્ર મ્યુઝિયમની બ્લુપ્રિન્ટ બહાર પાડવામાં આવી છે.
મ્યુઝિયમ એકાદ-બે વર્ષમાં
એમસીએના પ્રમુખ વિજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવનારાં અઠવાડિયાંઓમાં અમે વિવિધ કામ માટેનાં ટેન્ડર બહાર પાડીશું અને આગળના કાર્યક્રમ સંબંધે ચર્ચા કરવા ટૂંક સમયમાં મીટિંગ બોલાવીશું.’ એક જાણકાર સૂત્રએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે એમસીએ ટૂંક સમયમાં જ મ્યુઝિયમ માટે પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ નિયુક્ત કરશે અને પછી બજેટ નક્કી કરાશે અને પછી વાર્ષિક સામાન્ય સભામાં એ પાસ થશે. મ્યુઝિયમ પૂર્ણપણે તૈયાર થતાં એકાદ-બે વર્ષ લાગશે.’
આ મ્યુઝિયમ સ્ટેડિયમની નજીકની ગરવારે ક્લબમાં સ્થાપવાનો પ્રસ્તાવ છે. દુર્લભ પુસ્તકો ધરાવતી ડૉ. કાંગા મેમોરિયલ લાઇબ્રેરી પણ આ મ્યુઝિયમમાં રખાશે. ભારતમાં આ પ્રકારનું મ્યુઝિયમ સ્થાપનાર એમસીએ દેશનું પ્રથમ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન બનશે.

sports sports news cricket news