પિચને લઈને ચાલી રહેલા વિવાદ પર બેન સ્ટોક્સનો મત

23 February, 2021 12:21 PM IST  |  Ahmedabad | Agency

પિચને લઈને ચાલી રહેલા વિવાદ પર બેન સ્ટોક્સનો મત

બેન સ્ટોક્સ

છેલ્લા કેટલાક દિવસથી ભારતની પિચને લઈને વિશ્વક્રિકેટમાં વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને બીજી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડને મળેલા પરાજય બાદ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ચેન્નઈની પિચને બેકાર કહી હતી. તો વળી કેટલાક ખેલાડીઓએ પિચ માટેનો પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જોકે હાલમાં ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે પિચ બાબતે ભારતનો બચાવ કરતાં કહ્યું હતું કે ટેસ્ટ બૅટ્સમૅન તરીકે તમારે દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

શું કહ્યું સ્ટોક્સે?

ભારતનો બચાવ કરતાં બેન સ્ટોક્સે કહ્યું કે ‘એક ટેસ્ટ-બૅટ્સમૅન તરીકે તમારે દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. ભારત એક એવી જગ્યા છે જ્યાં વિદેશી ટીમ માટે રમવું, સફળ થવું અને સિરીઝ જીતવું ઘણું અઘરું હોય છે. ઇંગ્લૅન્ડમાં પણ કંઈક આવું જ છે. આ ગેમનો એક હિસ્સો છે અને પડકાર સ્વીકારવાનું અમને ગમે છે. બીજી ટેસ્ટમાં મેં વધારે બોલિંગ નહોતી કરી, પણ ત્રીજી ટેસ્ટમાં તો મારા માટે વધારે બોલિંગ કરવાનાં અનેક કારણો છે જેનાથી ટીમને મદદ મળી શકે.’

પિચનો જરાય નથી ખ્યાલ

પોતાની વાત આગળ વધારતાં સ્ટોક્સે કહ્યું કે ‘સામાન્ય રીતે વિશ્વમાં જ્યાં પણ પિન્ક બૉલ મૅચ રમાય છે એમાં એક સમયે બૉલ સીમરોને મદદરૂપ થવા માંડે છે અને તેઓ ફાવી જાય છે. અમારા માટે પણ આ ઘણી મોટી વાત છે એવામાં આ નવાનક્કોર સ્ટેડિયમની પિચ કેવું પર્ફોર્મ કરશે એ વિશે કોઈને જરાસરખોય ખ્યાલ નથી. અમારી પાસે સારા સ્પિનર્સ છે અને તેમને ફાસ્ટ બોલરનો સાથ મળી રહેશે. આશા રાખીએ છીએ કે અહીંની પરિસ્થિતિ તેમને માફક આવે. એવી ઘણી ઓછી ટીમ છે જે ભારતમાં આવીને સિરીઝ જીતીને જઈ શકી છે. અમારો પ્રયાસ એ જ રહેશે કે ૨૦૧૨ની જેમ આ વખતે પણ અમે સિરીઝ જીતીને અહીંથી ઘરે પાછા ફરીએ.’

india england cricket news sports news ben stokes