મેદાનોને વરસાદથી બચાવવા સ્ટેડિયમ પર છત બનાવો : ભૂતપૂર્વ ક્રિકેટરો

21 June, 2022 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટે ઓછામાં ઓછાં બે સ્ટેડિયમમાં તો રિટ્રેક્ટેબલ રૂફ બાંધવાં જ જોઈએ : ક્રિકેટર આકાશ ચોપડા

ફાઇલ તસવીર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી૨૦ સિરીઝ ૨-૨ની બરોબરી બાદ રવિવારે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નિર્ધારિત નિર્ણાયક મૅચ વરસાદના વિઘ્નને કારણે ફક્ત ૩.૩ ઓવર બાદ પડતી મૂકવામાં આવી એ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઇને અનુરોધ કર્યો છે કે દેશનાં અમુક ક્રિકેટ સ્ટેડિયમોમાં રિટ્રેક્ટેબલ રૂફ બાંધવા જોઈએ અને 
જો એવું થશે તો આખી મૅચ જ રદ કરવા જેવી નિરાશાજનક પરિસ્થિતિ નહીં જોવી પડે.

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ સોશ્યલ મીડિયામાં પ્રેક્ષકોના આક્રોશ અને હતાશાને ધ્યાનમાં લઈને કહ્યું છે કે ‘ભારતીય ક્રિકેટે ઓછામાં ઓછાં બે સ્ટેડિયમમાં તો રિટ્રેક્ટેબલ રૂફ બાંધવાં જ જોઈએ. જો એવી છત બાંધવામાં આવશે તો વરસાદને લીધે મૅચ રદ કરવાનો વારો નહીં આવે. મૅચમાં બ્રૉડકાસ્ટરોના લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય છે એટલે તેમનું એ નુકસાન બનેએટલું ઓછું થાય એની તકેદારી લેવી જોઈએ.’

ભૂતપૂર્વ બ્રિટિશ બૅટર કેવિન પીટરસને ભારતીય ક્રિકેટ બોર્ડને પ્રેક્ષકો તેમ જ ટીવી-દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમોમાં સુધારો કરવાની સલાહ આપતાં કહ્યું છે કે ‘તાજેતરમાં આઇપીએલ માટેના આગામી પાંચ વર્ષના જે કરોડો રૂપિયાના (૪૮,૩૯૦ કરોડ રૂપિયાના) મીડિયા રાઇટ્સ બીસીસીઆઇએ વેચ્યા એ જોતાં મને લાગે છે કે હવે તો ભારતીય બોર્ડ સ્ટેડિયમના માળખામાં સુધારો લાવશે જ.’

રવિવારની મૅચના પ્રેક્ષકોને ૫૦ ટકા રીફન્ડ મળશે

કર્ણાટક ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે જાહેરાત કરી હતી કે રવિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે નિર્ણાયક ટી૨૦ મૅચ માત્ર ૩.૩ ઓવર (૨૧ બૉલ) બાદ વરસાદને કારણે ૧૬ મિનિટની રમત બાદ રદ કરવામાં આવી એ મૅચ જોવા સ્ટેડિયમમાં આવેલા પ્રેક્ષકોને ટિકિટનું ૫૦ ટકા રીફન્ડ આપવામાં આવશે. અસોસિએશને જણાવ્યું હતું કે ‘આઇસીસીના નિયમ મુજબ જો કોઈ મૅચમાં એક બૉલ પણ ફેંકાયો હોય તો એ સ્ટેડિયમના સત્તાવાળાઓ રીફન્ડ આપવા બંધાયેલા નથી, પરંતુ અમારા અસોસિએશને ઉત્સાહિત ક્રિકેટપ્રેમીઓને લક્ષમાં રાખીને નક્કી કર્યું છે કે તેમને ૫૦ ટકા રીફન્ડ આપવામાં આવશે.’

sports sports news cricket news