29 April, 2025 07:03 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તનાવની સ્થિતિ છે. આ બધા વચ્ચે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ ચોંકાવનારાં નિવેદન આપ્યાં છે જેનાથી દરેક ભારતીયનું લોહી ઉકળી ઊઠશે.
પહેલાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં આફ્રિદીએ કહ્યું કે ‘આ અત્યંત નિરાશાજનક છે કે ભારતે ફરી એક વાર કોઈ પુરાવા વિના પાકિસ્તાન પર દોષારોપણ કર્યું છે. આવી કાર્યવાહીને કારણે શાંતિના પ્રયાસોને નુકસાન પહોંચે છે. દોષારોપણની રમત રમવાને બદલે ભારતે વાતચીતમાં ભાગ લઈને મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને ક્રિકેટને રાજકારણથી દૂર રાખવું જોઈએ. રમતગમત, ખાસ કરીને ક્રિકેટ, કોઈ પણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવું જોઈએ.’
આફ્રિદીએ એમ પણ કહ્યું, ‘મારું માનવું છે કે વ્યક્તિ ગમે એ ધર્મનો હોય, કોઈ પણ આતંકવાદનું સમર્થન કરતું નથી. ત્યાં (પહલગામ) જે બન્યું એ અફસોસની વાત છે. પાકિસ્તાનમાં આવું થતું રહ્યું છે. આ ખૂબ જ દુખદ છે, આવી ઘટનાઓ ન બનવી જોઈએ. પાડોશી દેશોએ એકબીજા સાથે સારા સંબંધો રાખવા જોઈએ. લડાઈનું કોઈ પરિણામ નથી આવતું.’
પરંતુ એક અન્ય ડિબેટ શોમાં તેણે સુરક્ષામાં ચૂક બદલ ઇન્ડિયન આર્મીને દોષી ગણાવતાં કહ્યું કે ‘કાશ્મીરમાં તમારી પાસે આઠ લાખથી વધુ જવાનો છે તો પણ આ ઘટના બની. એનો મતલબ છે તમે કેટલા નાલાયક અને નકામા છો, લોકોને સુરક્ષા પૂરી નથી પાડી શકતા. એ જોઈને આશ્ચર્ય થાય છે કે હુમલાના એક કલાકમાં, તેમનું મીડિયા બૉલીવુડમાં ફેરવાઈ ગયું. ભગવાનની ખાતર, બધી ઘટનાને બૉલીવુડ ન બનાવો. હું જોઈ રહ્યો હતો, હું કહી રહ્યો હતો કે તેમના વિચાર જુઓ અને આ લોકો પોતાને શિક્ષિત કહે છે.’