કાર્તિક અને તેવતિયા : ટીમ ઇન્ડિયાને એકસાથે મળ્યા બે મૅચ-ફિનિશર

13 May, 2022 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેમનો સમાવેશ થવાની પાકી સંભાવના છે

દિનેશ કાર્તિક, રાહુલ તેવતિયા

નૅશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે માત્ર આઇપીએલનો પર્ફોર્મન્સ પૂરતો નથી, જૂના ને જાણીતા દિનેશ કાર્તિક અને હરિયાણાના ૨૮ વર્ષના આક્રમક ફટકાબાજ રાહુલ તેવતિયાને આ 
લાગુ ન પડે. એક પ્લેયર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને અને બીજો ખેલાડી પ્લે-ઑફમાં પહોંચી ગયેલી ગુજરાત ટાઇટન્સને કેટલાક વિજય અપાવી ચૂક્યો છે.

પી. ટી. આઇ.ના અહેવાલ મુજબ આ બન્ને મૅચ-ફિનિશર પોતાની ટીમને આગામી મૅચોમાં વધુ મૅચો જિતાડી શકે એમ છે એ તો ઠીક, પણ આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેમનો સમાવેશ થવાની પાકી સંભાવના છે. મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્ત થઈ ચૂક્યો છે એટલે ટીમ ઇન્ડિયાને સારા ફિનિશરની તલાશ તો છે જ અને કાર્તિક તથા તેવતિયા એ માટે સારા વિકલ્પ બની શકે છે.

કાર્તિકે તો થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે ‘મારે આ વર્ષે ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવું છે અને તક મળે તો ભારતને ટી૨૦ વર્લ્ડ કપ જિતાડવો છે.’

ઑસ્ટ્રેલિયામાં રમાનારો વર્લ્ડ કપ હજી ચાર મહિના દૂર છે એટલે ત્યાં સુધીમાં વધુ એક મૅચ-ફિનિશર પણ મળી શકે, પરંતુ કાર્તિક અને તેવતિયા પર સિલેક્ટરોની નજર હશે જ.

ટી૨૦ની પાવરપૅક્ડ મૅચોમાં મૅચ-ફિનિશરનું મહત્ત્વ સૌથી વધુ છે. રવીન્દ્ર જાડેજા પણ મૅચ-ફિનિશર તરીકે જાણીતો છે, પરંતુ તેનું હાલનું નબળું ફૉર્મ જોતાં તેના વિશે કંઈ ચોક્કસ ન કહી શકાય એટલે એનો લાભ કાર્તિક તથા તેવતિયાને થઈ શકે.

કાર્તિક અને તેવતિયામાંથી કોના કેટલા રન?

દિનેશ કાર્તિકે બૅન્ગલોર વતી ૧૨ મૅચમાં ૨૭૪ રન બનાવ્યા છે, જે ટીમમાં ડુ પ્લેસી (૩૮૯) પછી બીજા નંબરે છે. તે ૧૨માંથી ૮ મૅચમાં અણનમ રહ્યો છે. તેના સ્કોર આ મુજબ છે ઃ ૩૨*, ૧૪*, ૪૪*, ૭*, ૩૪, ૬૬*, ૧૩*, ૦, ૬, ૨, ૨૬* અને ૩૦*.

રાહુલ તેવતિયાએ ગુજરાત ટાઇટન્સ વતી ૧૨ મૅચમાં ૨૧૫ રન બનાવ્યા છે. તે ૧૨ મૅચમાંથી પાંચમાં અણનમ રહ્યો છે. તેના સ્કોર આ મુજબ છે ઃ ૪૦*, ૧૪, ૧૩*, ૬, ૬, ૧૭, ૪૦*, ૪૩*, ૧૧, ૩ અને ૨૨*.

sports sports news cricket news