આફ્રિદી શરમમાં મુકાયો, ૧૫ ટકા ફી પણ કપાઈ ગઈ

22 November, 2021 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિક્સર ફટકારનાર બંગલા દેશના અફીફને ગુસ્સામાં બૉલ મારવા બદલ પાકિસ્તાની ફાસ્ટ બોલરે માફી માગી લેવી પડી

શાહીન આફ્રિદીએ શનિવારે બંગલાદેશના અફીફને કારણ વિના બૉલ મારતાં અફીફ પડી ગયો હતો. પછીથી આફ્રિદીઅે તેની માફી માગી હતી.

યજમાન બંગલા દેશ સામે ટી૨૦ વર્લ્ડ કપના સેમી ફાઇનલિસ્ટ પાકિસ્તાને ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે, પરંતુ એના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પોતાને શરમમાં મૂકી દીધો, એની આખી ટીમને નીચાજોણું થયું છે.
બંગલાદેશી મૅચ-રેફરીએ ફટકાર્યો દંડ
આફ્રિદીએ પોતાની શનિવારની એક હરકત બદલ માફી માગી હતી. મૅચ-રેફરીએ આફ્રિદીની મૅચ-ફીમાંથી ૧૫ ટકા રકમ દંડ તરીકે કાપી લીધી હતી. એ મૅચમાં બંગલા દેશના નિયામુર રાશિદ મૅચ-રેફરી હતા. આફ્રિદીની ૨૪ મહિનામાં આ પહેલી હરકત હતી. તેણે મૅચ-રેફરી સમક્ષ પોતાની ભૂલ કબૂલી લીધી હતી.
શનિવારે ઢાકાની બીજી મૅચમાં બંગલા દેશના અફીફ હુસેને આફ્રિદીના એક બૉલમાં સિક્સર ફટકારી એ આફ્રિદીને નહોતું ગમ્યું અને તે ગુસ્સે ભરાયો હતો. પછીના બૉલમાં અફીફ શૉટ મારવામાં નિષ્ફળ ગયો હતો અને એમાં આફ્રિદીએ ફૉલો-થ્રૂમાં જઈને બૉલ ઊંચકીને અફીફ પોતાની ક્રીઝમાં હતો છતાં સ્ટમ્પ્સ પર બૉલ ફેંક્યો હતો જેમાં વચ્ચે ઊભેલા અફીફને સીધો પગમાં બૉલ વાગ્યો હતો જેને પગલે તરત ડૉક્ટર મેદાન પર દોડી આવ્યા હતા અને અફીફને ગંભીર રીતે વાગ્યું નથી એની ખાતરી કરી હતી.
અફીફ સામે હસ્યો અને ભેટી પડ્યો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં આફ્રિદી પોતાની હરકતને પગલે અફીફ પાસે ગયો હતો અને તેની માફી માગી રહેલો અને સ્મિત સાથે ભેટી રહેલો બતાવવામાં આવ્યો છે.
પાકિસ્તાનનું ટીમ મૅનેજમેન્ટ આફ્રિદીથી ખફા છે. ટીમના કૅપ્ટન બાબર આઝમ તથા સિનિયર ખેલાડીઓનું કહેવું હતું કે આફ્રિદીએ આ રીતે હરીફ ખેલાડી પર ગુસ્સે થવાય જ નહીં. એટલે જ ટીમ મૅનેજમેન્ટ અથવા ક્રિકેટ બોર્ડ દ્વારા આફ્રિદીને તાબડતોબ કહેવડાવવામાં આવ્યું હતું કે તેણે અફીફની માફી માગી લેવી પડશે. એ આદેશ માનીને આફ્રિદીએ તેને સૉરી કહી દીધું હતું.
હસન અલીને પણ ઠપકો
પ્રથમ ટી૨૦માં ફાસ્ટ બોલર હસન અલીએ બંગલા દેશના વિકેટકીપર નુરુલ હસનને આઉટ કર્યા પછી તેને પૅવિલિયન તરફનો રસ્તો દેખાડતો ઇશારો કર્યો હતો. આ ઉશ્કેરણીજનક સંકેત બદલ હસન અલીને મૅચ-રેફરીએ ઠપકો આપ્યો હતો અને ફરી આવું ક્યારેય પણ તેને ન કરવાની ચેતવણી આપીને તેને જવા દીધો હતો.

cricket news sports sports news