IPLમાં રન-ચેઝ દરમ્યાન સૌથી મોટી ૧૪૧ રનની ઇનિંગ્સ રમનાર અભિષેક શર્મા કહે છે...

14 April, 2025 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ચાર દિવસથી બીમાર હતો, યુવરાજ સિંહ અને સૂર્યકુમારે મને ફોન કરીને પ્રોત્સાહન આપ્યું હતું. પંજાબ કિંગ્સ સામે પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ તેણે કહ્યું હતું કે ‘હું ચાર દિવસથી બીમાર હતો.

અવૉર્ડ મેળવ્યા બાદ અભિષેક શર્માએ મમ્મી-પપ્પા સાથે કૅમેરા સામે આપ્યો હતો પોઝ

સનરાઇઝર્સ હૈદરાબાદના ૨૪ વર્ષના ઓપનર અભિષેક શર્માએ શનિવારે પંચાવન બૉલમાં ૧૪૧ રનની તોફાની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી હતી. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 
ભારતીય તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાની સાથે તે રન-ચેઝ કરતા સમયે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ક્રિકેટર પણ બની ગયો છે. T20 ઇન્ટરનૅશનલમાં તેના નામે ભારતીય તરીકે સૌથી મોટી ૧૩૫ રનની ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ પણ છે.

પંજાબ કિંગ્સ સામે પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ તેણે કહ્યું હતું કે ‘હું ચાર દિવસથી બીમાર હતો. મને તાવ હતો, પણ હું ભાગ્યશાળી છું કે મારી આસપાસ યુવરાજ સિંહ અને સૂર્યકુમાર જેવા લોકો છે જે મને ફોન કરીને પ્રોત્સાહન આપતા રહ્યા. તેઓ જાણે છે કે હું આવી ઇનિંગ્સ રમી શકું છું, પરંતુ જ્યારે તમે રન બનાવી શકતા નથી ત્યારે તમે તમારી જાત પર શંકા કરવાનું શરૂ કરો છો, પરંતુ તેમને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને જ્યારે તમારી આસપાસ એવા લોકો હોય છે જે તમારામાં વિશ્વાસ રાખે છે ત્યારે તમે પણ તમારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો. એથી મારા માટે એ ફક્ત એક ઇનિંગ્સની વાત હતી.’

શુભમન ગિલનું બૅટ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર  યુવરાજ સિંહ અને ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તેને સોશ્યલ મીડિયા પર જાહેરમાં આ તાબડતોડ ઇનિંગ્સ રમવા બદલ શુભેચ્છા પણ આપી હતી. મૅચ બાદ તેણે શુભમન ગિલના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે જે બૅટથી સેન્ચુરી ફટકારી હતી એ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે તેને છેલ્લી મૅચ દરમ્યાન આપી હતી. પંજાબની ડોમેસ્ટિક ટીમ માટે રમતા આ બન્ને પ્લેયર્સની મિત્રતાની ક્રિકેટજગતમાં ભારે ચર્ચા રહે છે.

૬ મૅચથી સેલિબ્રેશન નોટ ખિસ્સામાં રાખી મૂકી છે એવા હેડના દાવાને નકારી કાઢ્યો અભિષેકે
શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૪૦ બૉલમાં પોતાની પહેલી IPL સેન્ચુરી ફટાકાર્યા બાદ યંગ ઓપનર અભિષેક શર્માએ ફૅન્સને એક સેલિબ્રેશન નોટ બતાવી હતી. એમાં લખ્યું હતું કે આ ઇનિંગ્સ ઑરેન્જ આર્મી (હૈદરાબાદના ફૅન્સ) માટે છે. અભિષેકના સાથી ઓપનર ટ્રૅવિસ હેડે મૅચ બાદ સાંજે કૉમેન્ટેટર્સને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અભિષેકે એ ચબરખી છેલ્લી છ મૅચથી પોતાના ખિસ્સામાં રાખી હતી. જોકે મૅચ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં અભિષેક શર્માએ તેના આ દાવાને નકારી કાઢ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મેં એ આજે જ લખ્યું, કારણ કે હું સામાન્ય રીતે સવારે ઊઠીને કંઈક લખું છું. અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે જો હું આજે કંઈક કરીશ તો એ ઑરેન્જ આર્મી માટે હશે. સદ્નસીબે આજે મને લાગ્યું કે મારો દિવસ હતો.’ 

sunrisers hyderabad punjab kings shubman gill yuvraj singh suryakumar yadav IPL 2025 cricket news sports news