04 February, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન બદલ મળેલા અવૉર્ડ સાથે અભિષેક શર્મા.
વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે પાંચમી T20 મૅચમાં ૫૪ બૉલમાં ૧૩૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ઓપનર અભિષેક શર્માએ અનેક રેકૉર્ડ તોડ્યા છે. તેણે આ ઇનિંગ્સમાં ૧૩ સિક્સર ફટકારી છે. એક T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાની સાથે તે આ ફૉર્મેટમાં ભારત માટે ૧૦થી વધુ સિક્સર ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે રોહિત શર્માનો ૨૦૧૭નો શ્રીલંકા સામેની ૧૦ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો છે.
અભિષેકની બૅટિંગ જોયા પછી ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ સ્ટાર બૅટર ઍલૅસ્ટેર કુક કહે છે, ‘મારા આખા જીવનમાં મેં જેટલી સિક્સર ફટકારી એના કરતાં વધારે સિક્સર અભિષેક શર્માએ બે કલાકમાં ફટકારી.’
૪૦ વર્ષના ઍલૅસ્ટેર કુકે ચાર T20 ઇન્ટરનૅશનલ મૅચમાં એક પણ સિક્સર નથી ફટકારી. તે ટેસ્ટ-ફૉર્મેટની ૧૬૧ મૅચમાં માત્ર ૧૧ અને ૯૨ વન-ડે મૅચમાં માત્ર ૧૦ છગ્ગા ફટકારી શક્યો છે. જુલાઈ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર અભિષેક શર્માએ ૧૭ T20 મૅચમાં ૪૧ સિક્સર ફટકારી છે.