દિલ્હી ડેરડેવિલ્સમાં હાલત ખરાબ હતી, ત્યાં ઘણાં ઝેરીલાં પાત્રો હતાં : ડિવિલિયર્સ

16 June, 2025 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્લેન મૅક્ગ્રા અને ડેનિયલ વેટોરી સાથે સમય વિતાવ્યો. ત્યાં અમે નજીક આવ્યા, પરંતુ આ લોકો મારા હીરો હતા અને હું તેમનાથી ખૂબ ડરતો હતો.

એ.બી. ડિવિલિયર્સે

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સે IPL ટીમ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ)ના સ્ટાર પ્લેયર્સ વચ્ચે થયેલા કડવા અનુભવનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ૨૦૦૮થી ૨૦૧૦ દરમ્યાન આ ટીમ માટે ૨૮ મૅચ રમનાર ડિવિલિયર્સ કહે છે કે ‘નામ આપવાનું ગમતું નથી, પણ દિલ્હી ડેરડેવિલ્સમાં હાલત ખરાબ હતી. એ ટીમમાં ઘણાં ઝેરી પાત્રો હતાં. ઘણા બધા સ્ટાર પ્લેયર્સ હતા. એ મારા માટે ખૂબ જ કડવો સમય હતો અને મારા જીવન અને કરીઅરની કેટલીક સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણો ત્યાં હતી. ગ્લેન મૅક્ગ્રા અને ડેનિયલ વેટોરી સાથે સમય વિતાવ્યો. ત્યાં અમે નજીક આવ્યા, પરંતુ આ લોકો મારા હીરો હતા અને હું તેમનાથી ખૂબ ડરતો હતો.’

ડિવિલિયર્સે આગળ કહ્યું કે ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને ત્રણથી વધુ મૅચ રમવા મળશે. આ એક યુવાન માટે મુશ્કેલ પરિસ્થિતિઓ હતી. જ્યારે હું રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ટીમમાં (વર્ષ ૨૦૧૧થી ૨૦૨૧) ગયો ત્યારે તેમના વર્તનથી લાગ્યું કે જાણે તેઓ કહી રહ્યા હોય કે તું અહીં મોટો થઈશ, તું અમારી સાથે એક મહાન પ્લેયર બનીશ અને તું અમારા પરિવારનો ભાગ છે. વિરાટ ત્યાં હતો અને તેણે મને કહ્યું કે આપણે બન્ને આ ટીમ માટે મૅચ જીતીશું.’

૨૦૦૮થી ૨૦૧૦ દરમ્યાન ડિવિલિયર્સ વીરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીરની કૅપ્ટન્સીમાં દિલ્હી માટે રમ્યો હતો.

ab de villiers delhi daredevils royal challengers bangalore indian premier league delhi capitals cricket news sports news sports