04 August, 2026 03:52 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ અને આકિબ નબી
શ્રીલંકાની આગામી બે મૅચની ટેસ્ટ-ટૂર માટે ઇન્જર્ડ જસપ્રીત બુમરાહ ઑફિશ્યલી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ મુખ્ય ફાસ્ટ બોલરને બદલે ટીમમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના યંગ પેસ બોલર આકિબ નબીને સામેલ કર્યો છે. કાશ્મીર ઘાટીથી ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થનાર આકિબ નબી પહેલો ખેલાડી બન્યો છે. જસપ્રીત બુમરાહને ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ દરમ્યાન ડાબા ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીમાંથી તે હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. ૩૨ વર્ષનો જસપ્રીત બુમરાહ છેલ્લે નવેમ્બર ૨૦૨૫માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-મૅચ રમ્યો હતો.
બારામુલ્લાનો ૨૯ વર્ષનો આકિબ નબી જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ત્રીજો ખેલાડી છે જેની સિનિયર નૅશનલ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અગાઉ પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક મર્યાદિત ઓવરના ફૉર્મેટમાં ભારત માટે રમી ચૂક્યા છે. આકિબ નબીએ ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટમાં ૪૩ મૅચમાં ૧૬૨ વિકેટ લેવાની સાથે ૯૯૯ રન પણ કર્યા છે. છેલ્લી બે રણજી સીઝનમાં જ તેણે ૧૦૪ વિકેટ ઝડપી છે, જેમાં ૨૦૨૫-’૨૬ની સીઝનમાં ૬૦ વિકેટનો સમાવેશ થાય છે. તેણે જમ્મુ ઍન્ડ કાશ્મીરની પ્રથમ રણજી ટ્રોફી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે એક સક્ષમ બૅટ્સમૅન પણ છે.
ભારતીય ક્રિકેટ ટીમ આજે શ્રીલંકા માટે નીકળી શકે છે. ઓપનર સાઈ સુદર્શનની આ સિરીઝમાં ભાગીદારી તેના ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. શ્રીલંકા સામે ભારત ૧૫ ઑગસ્ટથી પહેલી અને ૨૩ ઑગસ્ટથી બીજી ટેસ્ટ-મૅચ રમશે. એ પહેલાં સ્થાનિક ખેલાડી ઓ સાથે ૪ દિવસની પ્રૅક્ટિસ-મૅચ રમાવાની હતી. જોકે હવે સાતથી ૯ ઑગસ્ટ દરમ્યાન કોલંબોમાં ૩ દિવસની જ પ્રૅક્ટિસ-મૅચ રમાશે.આ ફેરફારનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.