31 January, 2026 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાશ ચોપડા, શાહબાઝ શરીફ
ઑસ્ટ્રેલિયન ટીમ હાલમાં પાકિસ્તાનની T20 ટૂર પર પોતાના મોટા ભાગના મુખ્ય પ્લેયર્સ વગર પહોંચી છે. આવી ટીમ સામે પાકિસ્તાને ગુરુવારે પહેલી મૅચમાં જીત મેળવી એના પછી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કોઈ ટુર્નામેન્ટ જીત્યા હોય એવા અંદાજમાં પોતાની ટીમની પ્રશંસા કરી હતી.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શાહબાઝ શરીફે લખ્યું હતું કે ‘પહેલી T20માં ઑસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન માટે ટીમ પાકિસ્તાનને શુભકામનાઓ. હું પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી અને તેમની આખી ટીમની પાકિસ્તાન ક્રિકેટને મજબૂત બનાવવા માટે અથાક પ્રયાસો કરવા બદલ પ્રશંસા કરું છું. આ દેશ માટે એક ગર્વની ક્ષણ છે.’
પાકિસ્તાનના વડા પ્રધાનના ટ્વીટ પર જવાબ આપતાં ભારતીય કૉમેન્ટેટર આકાશ ચોપડાએ લખ્યું હતું કે ‘સંપૂર્ણ સન્માન સાથે કહી રહ્યો છું કે આ ઑસ્ટ્રેલિયાની B ટીમ સામે દ્વિપક્ષીય T20 મૅચ છે. મૅચમાં ઘણા મુખ્ય ખેલાડીઓએ ભાગ લીધો નહોતો અને ૧૭૦ રન જેટલા ટાર્ગેટની રમતમાં લગભગ ૨૦ રનની જીતને શાનદાર કહી શકાય નહીં.’