ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટમાં નંબર વનનો તાજ જાળવી શકશે ઇન્ડિયા?

21 February, 2020 04:07 PM IST  |  Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટમાં નંબર વનનો તાજ જાળવી શકશે ઇન્ડિયા?

ઇન્ડિયા આજથી ન્યુ ઝીલૅન્ડ સામે બે ટેસ્ટ મૅચની સિરીઝ રમવાનો પ્રારંભ કરી રહી છે. ન્યુ ઝીલૅન્ડની ટૂરમાં ઇન્ડિયાએ પાંચ ટી૨૦માં તેમને વાઇટવૉશ આપ્યો હતો. જોકે વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડ તેમનું વાઇટવૉશનું કરજ ચૂકવવાનું ભુલ્યું નહોતું અને ઇન્ડિયાને ૩-૦થી હરાવ્યું હતું.
આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇન્ડિયા હજી સુધી એક પણ ટેસ્ટ મૅચ નથી હાર્યું અને ન્યુ ઝીલૅન્ડ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારી ચૂક્યું છે. ૩૬૦ પૉઇન્ટ સાથે નંબર વન રહેનાર ઇન્ડિયા આ પહેલી ટેસ્ટ જીતશે કે કેમ એ એક સવાલ છે, કારણ કે ન્યુ ઝીલૅન્ડે જોરદાર કમબૅક કર્યું છે.
ટેસ્ટમાં ઇન્ડિયાને હરાવવું મુશ્કેલ છે, કારણ કે લૉન્ગ ફૉર્મેટમાં આપણી ટીમની ખામીઓ ખૂબ જ ઓછી છે. વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ખૂબ જ સૉલિડ છે અને તેમને ટેસ્ટમાં આઉટ કરવા ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ડિયાની હાલમાં એક જ વિકનેસ છે અને એ છે ઓપનિંગમાં રોહિત શર્માની ગેરહાજરી. મયંક અગરવાલ સાથે શુભમન ગિલ અને પૃથ્વી શૉમાંથી એકને ઓપનિંગ માટે મોકલવામાં આવશે.
ઇન્ડિયાએ મૅચને પોતાના હાથમાં રાખવા માટે પહેલી ઇનિંગમાં ઓછોમાં ઓછા ૩૨૦ રન કરવા જરૂરી છે. જો આ ટાર્ગેટ બની રહેશે તો બોલરને પણ થોડી રાહત મળશે. ઇન્ડિયાના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. આ તમામ બોલર દુનિયાની કોઈ પણ ટીમ માટે ગમે ત્યારે ઘાતકી સાબીત થઈ શકે છે.
ન્યુ ઝીલૅન્ડના રૉસ ટેલરની આ ૧૦૦મી ટેસ્ટ છે અને તે દુનિયાનો એક માત્ર પ્લેયર છે જેણે ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦ મૅચ રમી છે. રૉસ ટેલર અને કેન વિલિયમસન કોઈ પણ ટીમ પર ભારે પડે છે. ન્યુ ઝીલૅન્ડના સ્ટાર બોલર ટ્રેન્ટ બોલ્ટે કમબૅક કર્યું છે. તેની સાથે નવોદિત પ્લેયર કાયલ જેમિસન ડેબ્યુ કરી રહ્યો છે. આ બન્ને તેમના બોલિંગ ડિપાર્ટમેન્ટને વધુ પાવરફુલ બનાવે છે.

new zealand cricket news sports news sports