ઑસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લઈ શકશે ઇન્ડિયા?

14 January, 2020 09:17 AM IST  |  Mumbai

ઑસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લઈ શકશે ઇન્ડિયા?

ભારતીય ટીમનો ક્રિકેટના મેદાનમાં છેલ્લી વાર જ્યારે સામનો થયો હતો ત્યારે ૩-૨થી સિરીઝ જીતીને ઑસ્ટ્રેલિયાએ ભારતને ધોબીપછાડ આપી હતી. આજથી વાનખેડેમાં શરૂ થનારી ૨૦૨૦ની પહેલી વન-ડે સિરીઝ આ બે ટીમ વચ્ચે થવાની છે, જેમાં પોતાની પાછલી હારનો બદલો લેવા વિરાટસેના પૂરેપૂરી તૈયારી સાથે સુસજ્જ છે. 

વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયા પોતાનું ફુલ ફૉર્મ બતાવી ચૂકી છે. ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી જેવા ટૉપ ઑર્ડરના બૅટ્સમેન છે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ટીમ-મૅનેજમેન્ટ કુલદીપ યાદવ અથવા યુઝવેન્દ્ર ચહલમાંથી કોને પસંદ કરે છે એ જોવાનું રહેશે. રોહિત શર્મા અને મોહમ્મદ શમી આ સિરીઝથી કમબૅક કરી રહ્યા છે.
સામા પક્ષે ઑસ્ટ્રેલિયન ટીમમાં ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથ જેવા પ્લેયરો ફૉર્મમાં ચાલી રહ્યા છે. આ બે ધુરંધરો સામે ભારતના ધુરંધરો કેવી ઇનિંગ રમે છે એ જોવું ખરેખર રસપ્રદ બની રહેશે. ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમનો જબરદસ્ત પ્લેયર માર્નસ લબુશેન વન-ડેમાં ડેબ્યુ કરશે કે નહીં એ પણ એક પ્રશ્નચિહ્‍ન છે છતાં હોમ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને વધારે ફાયદો મળવાની સંભાવના જોવાઈ રહી છે.

ઑસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે કોહલી તૈયાર

મુંબઈ : (પી.ટી.આઇ.) ઇન્ડિયન ક્રિકેટ ટીમ જ્યારે બંગલા દેશ સામે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમી હતી ત્યારે કેટલાક ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ વિરાટસેનાને પોતાના દેશમાં બોલાવીને ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવાનું આમંત્રણ આપ્યું હતું. આજથી ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વન-ડે સિરીઝ શરૂ થવાની છે ત્યાં મૅચની પૂર્વસંધ્યાએ ડે-નાઇટ ટેસ્ટ વિશે પૂછતાં કોહલીએ કહ્યું હતું કે ‘અમે એ ચૅલેન્જ સ્વીકારવા તૈયાર છીએ, પછીએ ગબ્બામાં હોય કે પર્થમાં, અમારા માટે એ મહત્ત્વનું નથી. ટેસ્ટ સિરીઝ માટે આ એક સારી બાબત છે અને ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે અમે તૈયાર છીએ.’

ઘરઆંગણે તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરવાની કોહલીને તક

ઘરઆંગણે રમાનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ પોતાના આદર્શ સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરવાની તક છે. તેન્ડુલકરે વન-ડેમાં ૧૦૦ સેન્ચુરી ફટકારી છે, જેમાંથી ૨૦ સેન્ચુરી હોમ ગ્રાઉન્ડ પર ફટકારી છે. કોહલીએ અત્યાર સુધી ઘરઆંગણે ૧૯ સેન્ચુરી ફટકારી છે. જો કોહલી આ સિરીઝમાં સેન્ચુરી ફટકારે તો તે તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી શકે છે.

પ્લેયર્સ ફૉર્મમાં હોય તો એ ટીમ માટે સારી વાત છે. તમે એ જ ઇચ્છશો કે ટીમ માટે બેસ્ટ પ્લેયર અવેલેબલ હોય અને એમાંથી ટીમ માટે જે કૉમ્બિનેશન સારું હોય એને તમે પસંદ કરો. રોહિત શર્મા, શિખર ધવન અને કે. એલ. રાહુલ ત્રણેય એક મૅચમાં રમે એવી સંભાવના છે. ફીલ્ડ પર કયું કૉમ્બિનેશન ટીમ માટે જરૂરી છે એ જોવું રસપ્રદ રહેશે. - વિરાટ કોહલી

વન-ડે સિરીઝમાં ઇન્ડિયાને હરાવશે ઑસ્ટ્રેલિયા : રિકી પૉન્ટિંગ

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા આજથી ત્રણ વન-ડે સિરીઝની શરૂઆત કરશે, જેમાં બન્ને ટીમ પોતપોતાની જગ્યાએ ટક્કર આપવામાં સક્ષમ દેખાઈ રહી છે. એવામાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર અને કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભવિષ્યવાણી કરી છે કે આ સિરીઝ ઇન્ડિયા નહીં, ઑસ્ટ્રેલિયા જીતશે. આ વિશે પૉન્ટિંગે કહ્યું કે ‘એક શાનદાર વર્લ્ડ કપ રમ્યા બાદ ઑસ્ટ્રેલિયા એકદમ ફૉર્મમાં છે અને પાછલાં કેટલાંક સત્ર પણ સારાં રહ્યાં છે છતાં ભારત ઑસ્ટ્રેલિયા સામે પાછલી હારનો બદલો લેવાના પ્રયાસ કરશે. હું ધારું છું ત્યાં સુધી સિરીઝ ૨-૧થી ઑસ્ટ્રેલિયાના નામે રહેશે.’
આ ઉપરાંત પૉન્ટિંગે માર્નસ લબુશેન અને અન્ય ફૉર્મમાં રમી રહેલા ખેલાડીઓની પ્રશંસા કરી હતી.

cricket news india australia sports news sports