પોલીસના ટૉર્ચરથી બચવા માટે સ્વીકારી હતી સ્પૉટ-ફિક્સિંગની વાત: શ્રીસાન્ત

31 January, 2019 09:39 AM IST  | 

પોલીસના ટૉર્ચરથી બચવા માટે સ્વીકારી હતી સ્પૉટ-ફિક્સિંગની વાત: શ્રીસાન્ત

એસ. શ્રીસાન્ત

સ્પૉટ-ફિક્સિંગમાં સંડોવણીને કારણે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા એસ. શ્રીસાન્તે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ‘માત્ર પોલીસના ટૉર્ચરથી બચવા માટે જ ફિક્સિંગની વાત સ્વીકારી હતી.’

શ્રીસાન્તે કોર્ટને કહ્યું હતું કે ૨૦૧૩માં દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના ટૉર્ચરથી બચવા માટે જ ફિક્સિંગની વાત કબૂલી હતી. શ્રીસાન્તે જસ્ટિસ અશોક ભૂષણ અને કે. એમ. જોસેફની બેન્ચને જણાવ્યું હતું કે ‘દલાલોએ મને સ્પૉટ-ફિક્સિંગમાં ઘસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હું એમાં ફસાયો ન હતો.’

શ્રીસાન્ત પર આ વિવાદને કારણે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શ્રીસાન્તની વાતને સાબિત કરવા માટે તેના વકીલે શ્રીસાન્ત અને બુકી વચ્ચે મલયાલમમાં થયેલી વાતચીતનો અનુવાદ કોર્ટને બતાવ્યો હતો. કોર્ટે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે જવાબ માગ્યો છે સાથે જ ભૂતપૂર્વ ક્રિકેટર દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો પર પણ જવાબ આપવા કહ્યું છે. શ્રીસાન્તના વકીલ સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘શ્રીસાન્ત પર રૂમાલ દ્વારા સ્પૉટ-ફિક્સિંગ કરવાનો આરોપ છે, પરંતુ રૂમાલ મેદાન પર દરેક ખેલાડી રાખે છે.’

કોર્ટે શ્રીસાન્તને પૂછ્યું હતું કે ‘બુકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હોવાની વાતને તેણે ક્રિકેટ બોર્ડને કેમ નહોતી જણાવી? એમાં કોઈ શંકા નથી કે મેદાન પર શ્રીસાન્તનું વર્તન ખોટું હતું.

આ પણ વાંચો : ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ઇવાન ચૅટફીલ્ડે ૬૮ વર્ષની વયે લીધી નિવૃત્તિ

કેરળ હાઈ કોર્ટે શ્રીસાન્ત પર ક્રિકેટ બોર્ડ દ્વારા લગાડવામાં આવેલા આજીવન પ્રતિબંધને યથાવત રાખ્યો છે. આ ચુકાદાને શ્રીસાન્તે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ક્રિકેટ બોર્ડે ૧૫ મે ૨૦૧૮ના રોજ શ્રીસાન્તની અપીલનો વિરોધ કર્યો હતો જેમાં તેણે પોતાના પર મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધને ઘટાડવાની માગણી કરી હતી જેથી તે ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી શકે. દિલ્હી પોલીસે શ્રીસાન્ત ઉપરાંત IPLની ફ્રૅન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સના અજિત ચંડીલા અને અંકિત ચવાણની ૨૦૧૩માં સ્પૉટ-ફિક્સિંગ મામલે ધરપકડ કરી હતી.

s sreesanth cricket news sports news